November 24, 2024

મોંઘવારી વચ્ચે વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યાં, આ વર્ષે 28 હજારથી વધુ એડમિશન

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદઃ મોંધવારી દિવસેને દિવસે વધી રહી છે. વધતા ભાવોને કારણે જનતા પિસાઇ રહી છે. ત્યારે વાલીઓ પણ બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. અમદાવાદની જ વાત કરવામાં આવે તો છેલ્લા 10 વર્ષમાં 55 હજાર વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળા પ્રવેશ લીધો છે. ત્યારે ચાલુ વર્ષે 28490 જેટલા કુલ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યની ખાનગી શાળાઓમાં વાર્ષિક 10 હજારથી લઇને એક લાખ રૂપિયા સુધીની ફી લેવામાં આવે છે. ત્યારે આમ રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે જે કામગીરી થઈ રહી છે. તેનું પરિણામરૂપી ફળ એ મળ્યું છે કે, સેલ્ફ ફાયનાન્સ શાળા છોડીને હવે વાલીઓ તેમના બાળકોને સરકારી શાળામાં મૂકતા થયા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો, છેલ્લા 10 વર્ષમાં અંદાજિત 55,603 વિદ્યાર્થીઓ સેલ્ફ ફાયનાન્સ શાળા છોડી સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. અમદાવાદમાં કોર્પોરેશન અંતર્ગત ચાલતા બાળવાટિકાની વાત કરવામાં આવે તો 10,552 વિદ્યાર્થીઓએ જ્યારે બાળવાટિકા અને ધો 1ના મળીને કુલ 28,490 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. શૈક્ષણિક સત્ર શરૂ થયું તે દિવસે 571 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. આમ કુલ 3 દિવસમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ સ્કૂલ બોર્ડમાં પ્રવેશ મેળવ્યો છે. ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની વર્ષ મુજબની વાત કરવામાં આવે તો…

વર્ષ વિદ્યાર્થીઓ
2014-15 4397
2015-16 5481
2016-17 5005
2017-18 5219
2018-19 5791
2019-20 5272
2020-21 3334
2021-22 6289
2022-23 9500
2023-24 5315

મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની એકેડમિક સ્ટ્રેન્થ, ક્વોલિફાઇડ શિક્ષક, રેસિડેન્શિયલ સ્કૂલ, સ્માર્ટ સ્કૂલ, આધુનિક પ્રયોગશાળાઓ, વિદ્યાર્થીઓને સ્કિલ ડેવલોપમેન્ટ અંગેના અભ્યાસક્રમો અને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને સક્રિય બનાવાથી પણ ઘણો ફાયદો થયો છે. આ સિવાય સરકારી શાળાઓમાં રમતગમતના મેદાન, હાઈટેક ટિચિંગ ક્લાસ, સ્વચ્છતા તથા ક્વોલિફાઈડ શિક્ષકો હોવાથી ખાનગી સ્કૂલ શરૂ થવાને કારણે મોટી સંખ્યામાં ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં વિદ્યાર્થીઓ આવી રહ્યા છે. વાલીઓએ જણાવ્યું હતું કે, મોંધવારીના સમયમાં સ્કૂલ ફી અને ટ્યુશન ફી પોસાય તેમ ન હોવાથી ઉપરાંત સરકારી શાળામા વધુ સારી સુવિધા મળતી હોવાથી તેઓ સરકારી શાળા તરફ આકર્ષાયા છે.

આ પણ વાંચોઃ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અઠવાડિયું વરસાદ રહેશે

નવા શૈક્ષણિક સત્ર માટે પણ શિક્ષકોને એડમિશન માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમાં શિક્ષકો દરેક વિસ્તારમાં જઈ વાલીઓ સાથે મિટિંગ કરીને સરકારી શાળાઓમાં એડમિશન લેવાના ફાયદા વિશે જાણકારી આપી હતી. તેને કારણે પણ સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે. આગામી 15મી ઓગસ્ટ સુધી સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.