September 20, 2024

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની આગાહી, સૌરાષ્ટ્રમાં અઠવાડિયું વરસાદ રહેશે

અમદાવાદઃ રાજ્યમાં વિધિવત્ રીતે ચોમાસું બેસી ગયું છે. ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર વરસાદની આગાહી કરી છે. આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ વરસાદની આગાહી કરતા કહે છે કે, ‘ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. તો આવતીકાલે પંચમહાલ, દાહોદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી સાથે થન્ડરસ્ટ્રોર્મની શક્યતા પણ છે.’

આ પણ વાંચોઃ દ્વારકામાંથી પકડાયું કરોડોનું ચરસ, 64 બિનવારસી પેકેટ્સ મળી આવ્યાં

તેઓ વધુમાં કહે છે કે, ‘17 અને 18 જૂને પંચમહાલ, દાહોદ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સમગ્ર અઠવાડિયા દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.’

આ પણ વાંચોઃ સાસણ ગીર સહિતની જંગલ સફારીમાં 4 મહિનાનું વેકેશન

તેઓ જણાવે છે કે, ‘સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી અને ભાવનગરમાં થન્ડરસ્ટ્રોર્મની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.’ રામાશ્રય યાદવ જણાવે છે કે, આગામી સમયમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જેમાં આજે અમદાવાદનું તાપમાન 39.4 ડિગ્રી અને ગાંધીનગરનું તાપમાન 41 ડિગ્રી નોંધાયું છે.