November 23, 2024

અમદાવાદમાં 16 ફેબ્રુઆરીથી 19મા NIDJAM-2024નો પ્રારંભ

અમદાવાદ: ગુજરાતમાં ઓલિમ્પિક 2036ના ધ્યેયને કેન્દ્રમાં રાખીને દેશભરના યુવા ખેલાડીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉત્સાહને બમણો કરતી રમત ગમત સ્પર્ધા નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJAM)નો ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ સ્પર્ધા 16 ફેબ્રુઆરીથી શરુ થઈ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન ચાલનાર સ્પોર્ટ્સ ઈવેન્ટમાં 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના 616 જિલ્લાઓમાંથી 5,500થી વધુ એથ્લેટિક્સે ભાગ લીધો છે. જેમાં 3,365 પુરૂષ સ્પર્ધકો જ્યારે 2,193 મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો છે. આયોજીત સ્પર્ધામાં 1105 કોચ પૈકી 835 પુરૂષ કોચ જ્યારે 270 મહિલા કોચ પણ ખેલાડીઓને સંપુર્ણ માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

જોકે, રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું કે, કાશ્મીરથી કન્યાકુમારીથી આવેલા બધા જ યુવા રમતવીરોનું સ્વાગત કરું છું. રમત ગમત મંત્રીએ આર યુ રેડી કહેતાની સાથે જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અનેખેલાડીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, આજે દેશભરમાંથી એકત્ર થયેલા ખેલાડીઓની ઉર્જા રમતની દુનિયામાં નવી ઉંચાઈઓ લાવશે. હું બધા એથ્લીટ અને ખેલ પ્રેમીઓને શુભેચ્છા આપું છું

NIDJAM અંતર્ગત વિવિધ કેટેગરીની સ્પર્ધા જેમ કે, દોડ, અડચણ દોડ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ગોળા ફેંક, ભાલા ફેંકમાં ખેલાડીઓ કમર કસતા જોવા મળશે.આ ઉપરાંત ઉત્તમ પ્રદર્શન કરનાર વિજેતાઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.