October 27, 2024

મહિલાઓ સામેના ગુનાઓ સામે પ્રેરિત કરવા યોજાયું મહિલા સશક્તિકરણ સંમેલન

અમદાવાદ: મહિલાઓ સામેના ગુનાઓ રોકવા માટે પોલીસ વિભાગ સતત પ્રયાસો કરી રહ્યું છે તો આ પ્રકારના પ્રયાસો નારી સ્વાભિમાન સંઘ દ્વારા પણ કરવામાં આવતા રહે છે. જેના ભાગરૂપે અમદાવાદ કુબેરનગર બંગલા એરિયા ખાતે લીલાશાહ હોલ ખાતે મહિલા સશક્તિકરણ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ અને યુવતિઓને તેમના પર થતા ગુનાહોને રોકવા માટે આગળ આવવા માટે પ્રેરિત કરવામાં આવી હતી.

વિવિધ પ્રકારના ગુનાઓને રોકવા માટે કાયદામાં શ્રેણીબદ્ધ કઠોર જોગવાઇઓ કરવામાં આવી હોવા છતાં વર્તમાન સમયમાં મહિલાઓ અને યુવતિઓ સામે છેડતી, બ્લેકમેઇલિંગ, યૌન ઉત્પીડન સહિતના બનાવો ઝડપથી વધી રહ્યા છે. ત્યારે આ પ્રકારના ગંભીર બનાવોને રોકવા માટે ખુબ જ જોરદાર રીતે નારી સ્વાભિમાન સંઘ પણ સક્રિય છે. તેમના દ્વારા નિયમિત રીતે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. સાથે મહિલાઓ અને યુવતિઓને તેમના પર થતા ગુનાહોને રોકવા માટે આગળ આવવા માટે સતત પ્રેરિત પણ કરવામાં આવે છે. આના ભાગરૂપે નારી સ્વાભિમાન સંઘનુ એક સંમેલન અમદાવાદ શહેરના કુબેરનગર બંગલા એરિયા ખાતે લીલાશાહ હોલમાં આયોજિત કરવામાં આવ્યુ હતુ.

નારી સ્વાભિમાન સંઘ દ્વારા આયોજિત મહિલા સશક્તિકરણ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલા હોદેદારો, વિવિધ મહાનુભાવોએ હાજરી આપી હતી. કાર્યક્રમમાં જુદા જુદા કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. સાથે સાથે ગુનાહોને રોકવા માટે સતત સક્રિય અને આગળ આવી રહેલી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. ઉપરાંત મહિલાઓને ઉપયોગી માહિતી પણ સશક્તિકરણના સંબંધમાં આપવામાં આવી હતી. નોંધનીય છે કે હાલમાં સોશિયલ મિડિયાના સમયમાં યુવતિઓ અને મહિલાઓ ગુનાઓનો વધારે શિકાર થઇ રહી છે. તેમની સાથે બ્લેકમેઇલિંગના બનાવો વધુ બની રહ્યા છે. તેમની સાથે મિત્રતા કરીને તેમને શિકાર બનાવવાના વધતા બનાવો અંગે કઇ રીતે જાગૃત અને સાવધાન રહી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.