November 24, 2024

અમદાવાદ: સરદારનગરમાં મહિલા બુટલેગરે પરિવાર સાથે મળીને પોલીસકર્મીને માર માર્યો

સરદારનગર પોલીસે બુટલેગર અને તેનો પુત્ર, પુત્રવધુની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

મિહિર સોની, અમદાવાદ: સરદારનગર વિસ્તારનાં બુટલેગરો ફરી બેફામ બન્યા હોય તેમ પોલીસ કર્મચારી પર જ હુમલો કરી રહ્યા છે. મહિલા બુટલેગર અને તેના પરિવારજનોએ પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દારૂની બાતમી મળતા પોલીસકર્મીએ બૂટલેગરના નિવાસસ્થાને તપાસ કરતા બુટલેગર અને તેના પરિવારજનોએ આ હુમલો કર્યો હતો. સરદારનગર પોલીસે બુટલેગર અને તેનો પુત્ર, પુત્રવધુની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

હાલમાં પોલીસકર્મી પર હુમલો કરનાર મહિલા બુટલેગર અલકા ગાયકવાડ અને તેની પુત્રવધૂ શ્વેતા ગાયકવાડની પોલીસે ધરપકડ કરી છે. સાસુ-વહુને પોલીસ કર્મચારીના હત્યાના પ્રયાસ કેસમા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર બનાવની વાત કરીએ તો સરદારનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રમેશસિંહ ઝાલા ગત્ત રાત્રિના સમયે એક બાતમી મળી હતી કે, સરદાર નગર કેકાડીવાસની એક બુટલેગરનાં ત્યાં દારૂનો જથ્થો પડ્યો છે જેના આધારે પોલીસકર્મી રમેશસિંહ બુટલેગરના ઘરે તપાસ કરતા એક બિયરની પેટી મળી આવી હતી. જે બાદ બુટલેગરને પૂછપરછ કરતા બુટલેગર મહિલા સહિત તેના ભાઈએ ભેગા મળી તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં પોલીસકર્મી રમેશસિંહ ગંભીર ઈજાગ્રસ્ત હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સરદારનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી બુટલેગર અલકા ગાયકવાડ, તેનો પુત્ર સાગર અને પુત્રવધૂ શ્વેતા, નાનો પુત્ર રાજ નામના ચાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: પાકિસ્તાન તરફથી ઘૂષણખોરી કરનારા બે આતંકીને LOC પર ભારતીય સેનાએ ઠાર માર્યા

પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મહિલા બુટલેગર અલકા ગાયકવાડ વિરુદ્ધ 17થી વધુ ગુના નોંધાયા છે જ્યારે તેના પુત્ર સાગર ગાયકવાડ વિરુદ્ધ મારામારી, દારૂનાં સહિત 10થી વધુ ગુના નોંધાયા છે. આ મહિલા બુટલેગર અલકા સહિત તેનું પરિવાર વર્ષોથી દારૂ વેચવાનો ઘંઘો કરે છે. પોલીસકર્મી પર હુમલો કરનાર આરોપી સાગર જીમ ટ્રેનર છે. ઘટનાની રાત્રે આરોપી સાગર દ્વારા પોલીસ કર્મચારીને પકડીને દીવાલ સાથે અથડાવ્યો હતો અને મારમારી કરી હતી. પોલીસને ફેક્ચર અને શરીર પાંસળી તોડી નાખી હતી. આ ગંભીર ઘટનાને લઈ મુખ્ય આરોપી સાગર અમદાવાદ બહાર ભાગી ગયો હતો. આ મામલે પોલીસે અલગ-અલગ ટીમ બનાવી આરોપી સાગરની વલસાડથી ધરપકડ કરી છે. આ કેસમાં ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ હજુ એક આરોપી રાજ ફરાર હોવાથી તેને શોધવાની તજવીજ હાથ ધરી છે.

છેલ્લા ઘણા સમયથી બુટલેગરો દ્વારા પોલીસ પર હુમલાને લઈને ઘટના વધી રહી છે. તાજેતરમાં કણભામાં એક પોલીસ કર્મચારીને બુટલેગરે દારૂ ભરેલી ગાડી ટક્કર મારી હત્યા કરવામાં આવી હતી. વધુ એક પોલીસ કર્મચારી હત્યાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ કર્મચારીની સુરક્ષા માટે સવાલો ઉઠ્યા છે. જો બુટલેગરથી પોલીસ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય નાગરિકો કેવી રીતે બચશે?