સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો કકળાટ, લોકોની હાલત કફોડી બની
ભાવેશ ભોજક, પાટણ: રણ કાધીએ આવેલા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઈ છે. સમયસર ન પાણી મળતા ગામલોકો કુવા-તળાવના દુષિત પાણી પીવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકો પાણી માટે પોકાર કરી રહ્યા છે. છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. આજે પણ આ વિસ્તારના ગામડાઓમાં ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે ટેન્કરની કાગડોળે રાહ જોઈને ગામ લોકો ને બેસી રહેવું પડે છે.ત્યારે સરકારની વિકાસની વાતો પોકળ સાબિત થઈ છે.
પાણીની કાયમી તંગી ની સમસ્યાથી ત્રસ્ત એવા પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાની હાલત ભર ઉનાળે કફોડી બની છે સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલી બનાવી ને તે સફળ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે વલખા મારવા પડે છે અને ટેન્કરો ના ભરોસે ક્યારે પાણી આવશે તેની કાગડોળે રાહ જોઇને બેસી રહેવું પડે છે. સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના જાખોત્રા ગામમાં પાણી વિના લોકોની હાલત કફોડી બની છે. પાણીની સમસ્યાને લઈને મહિલાઓની હાલત કફોડી બની છે. મહિલાઓને ઘરનું કામ કરવું બાળકોને સાચવવા કે પાણી ક્યારે આવશે તેની રાહ જોઈને બેસી રહેવું તે મુજવણમાં જ દિવસ પસાર કરે છે
જાખોત્રામાં પીવાના પાણી માટે રઝળપાટ
સરહદી વિસ્તારના જાખોત્રા ગામમાં એક મહિનાથી પાણીનો કકળાટ ઉઠવા પામ્યો છે. સમગ્ર પંથક સુકો હોવાથી આસપાસમાં કોઈ જગ્યાએ પાણી નથી તેથી પાણી ભરવા જવું તો ક્યાં જવું તે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે જેને લઇ મહિલાઓને પીવાના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે. ટેન્કર દ્વારા પહોંચાડતું પાણી ગામલોકોને પૂરતા પ્રમાણમાં મળતું નથી. તો બીજી તરફ ખાનગીમાં પાણીનું ટેન્કર રૂપિયા 1000 થી1500 ના ભાવે આવે છે.જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોસાય તેમ નથી.ગામમા દરેકના ઘરે નળ છે પણ નળમાં પાણી આવતું નથી જેથી મહિલાઓને ટેન્કરના ભરોસે બેસી રહેવું પડે છે. માટે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.પાણી ન મળવાને કારણે પશુઓની હાલત પણ દયનીય બની છે. ચૂંટણી સમયે રાજકીય પક્ષના આગેવાનો આવે છે અને મોટા મોટા વાયદા કરી વોટ લઈ સત્તા ઉપર બેસી જાય છે. પછી કોઈ સંભાળ લેતુ નથી.
સરકારો બદલાઈ, પાર્ટીઓ બદલાઈ, ધારાસભ્યો બદલાયા,મંત્રીઓ બદલાયા પણ વર્ષોથી પાણી જંખી રહેલ સાંતલપુર તાલુકાના અંતરિયાળ ગામોમાં આજ દિન સુધી પાણીનો પ્રશ્ન ઉકેલાયો નથી. 21 મી સદીમાં પણ આ તાલુકાના ગામડાઓમાં આજે પણ ટેન્કર રાજ જોવા મળી રહ્યું છે.જાખોત્રા ગામમાં 2000 જેટલી વસ્તી છે તેની સામે દિવસમાં એક કે બે ટેન્કર પાણી પૂરું પાડવામાં આવે છે. પાણીની કાગડોળે રાહ જોઈને બેસી રહેલ ગામ લોકો ટેન્કર આવતાની સાથે જ તેમના મોઢા ઉપર અનેરી ખુશી જોવા મળે છે અને પોતે પાણી પહેલા ભરી લેતે માટે ટેન્કરની પાછળ પાછળ દોડે છે અને ચાલુ ટેન્કરમાં ઉપર ચડી પાઈપો નાખે છે. ગામ લોકો પાણી ભરવા માટે ઘરોમાંમાંથી ડોલ,સ્ટીલના બેડા, સિન્ટેક્સની મોટી મોટી ટાંકીઓ,પ્લાસ્ટિકના પીપ લઈને પાણી ભરવા દોડી આવે છે અને ટેન્કર આવતાની સાથે જ પોતપોતાના પાણી ભરવાના સાધનો લાઈનમાં લગાવી પાણી ભરવા માટે રીતસરની પડા પડી કરે છે.
સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાય છે સીધાડા ખાતે આવેલ સંપમાંથી ત્રણ ટેન્કરો મારફતે અલગ અલગ ગામોમાં પાણી પહોંચાડવામાં આવે છે સવારથી શરૂ કરીને મોડી રાત સુધી ટેન્કર ચાલકો ગામડાઓમાં પાણી પહોંચાડે છે દિવસના 25 થી વધુ ફેરા કરીને આ કાળજાળ ગરમીમાં ગામ લોકોને પાણી પહોંચાડે છે.
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આ બાબતે જણાવ્યું હતું કે કેનાલની સાફ-સફાઈને કારણે કેનાલમાં પાણી બંધ કરાતા છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા ઊભી થઈ છે જે અંગે પાણી પુરવઠા વિભાગના જવાબદાર સત્તાધીશ અધિકારીઓને આ ગામડાઓમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની સૂચનાઓ આપી છે હાલમાં ટેન્કરોથી પાણી અપાય છે.
ભાજપ કોંગ્રેસની સરકારો પાણીની સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ
સાંતલપુર તાલુકામાં ઘણા વર્ષોથી ઉનાળામાં પાણીની વિકટ સમસ્યા સર્જાય છે અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ સહિતની સરકારો આવી છતાં આ વિસ્તારની પાણીની સમસ્યા આજદિન સુધી ઉકેલાઈ નથી જેથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.