November 24, 2024

‘પ્રેમથી અમને અમારા મંદિર મળી જાય, અમે બધું ભૂલી જશું’

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ બાદ હવે મથુરાની જ્ઞાનવાપી અને શાહી ઈદગાહનો મુદ્દો આ દિવસોમાં ગરમાયો છે. હિન્દુ પક્ષ આ બંને જગ્યાએ મંદિર હોવાનો દાવો કરી રહી છે. આ દરમિયાન રામ જન્મભૂમિ ટ્રસ્ટના ખજાનચી ગોવિંદ દેવ ગિરી મહારાજનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, એકવાર આ ત્રણેય મંદિરો મુક્ત થઈ ગયા પછી બીજા કોઈ મંદિરની જરૂર નથી.

મહત્વનું છેકે, મહારાષ્ટ્રના પુણેમાં પત્રકારોએ ગોવિંદ દેવ મંદિરને તોડીને મસ્જિદ બનાવવા પર સવાલ ઉઠાવ્યા હતા. જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ત્રણેય મંદિરો મુક્ત થયા બાદ અન્ય મંદિરો પર ધ્યાન આપવા માંગતા નથી. આપણે ભૂતકાળમાં નહીં પણ ભવિષ્યમાં જીવવાનું છે. દેશનું ભવિષ્ય સારું હોવું જોઈએ.

ત્રણેય મંદિર શાંતિથી એક થાય તો…
ગોવિંદ દેવ ગિરી મહારાજે વધુમાં કહ્યું કે, જો સમજણ અને પ્રેમથી આપણે અયોધ્યા, જ્ઞાનવાપી અને કૃષ્ણ જન્મભૂમિ શાંતિથી મેળવીએ તો બધી જૂની વાતો ભૂલી જવાશે. તેમણે કહ્યું કે દરેક જગ્યાએ પરિસ્થિતિ અલગ-અલગ છે. તેથી લોકોને સમજવાના પ્રયાસો કરવામાં આવશે અને અશાંતિ કોઈ પણ રીતે થવા દેવામાં આવશે નહીં.

જ્ઞાનવાપી મસ્જિદ અને શાહી ઈદગાહને લઈને વિવાદ
નોંધનીય છેકે, રામ મંદિર પછી વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મથુરાની શાહી ઈદગાહને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે. જ્ઞાનવાપી કેસ આ દિવસોમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટના આદેશ બાદ ભારતીય પુરાતત્વ વિભાગ ASIએ મસ્જિદના સીલ કરેલ વિસ્તાર સિવાય જ્ઞાનવાપી સંકુલનો સર્વે કર્યો હતો. સર્વે બાદ હિંદુ પક્ષે દાવો કર્યો હતો કે મસ્જિદમાં શિવલિંગ મળી આવ્યું છે.

જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા કરવાનો અધિકાર મળ્યો
તાજેતરમાં જ વારાણસીની કોર્ટે હિંદુ પક્ષને જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો હતો. જેની સામે વાંધો વ્યક્ત કરતાં મુસ્લિમ સમાજે હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. મુસ્લિમ પક્ષે આ આદેશ વિરુદ્ધ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે હાઈકોર્ટે પણ નીચલી કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે અને પૂજા પર પ્રતિબંધ મુકવાનો ઈન્કાર કર્યો છે.

‘મંદિર તોડીને જ્ઞાનવાપી મસ્જિદ બનાવવામાં આવી’
હિન્દુ પક્ષનો દાવો છે કે જ્ઞાનવાપી મસ્જિદમાં ભગવાન વિશ્વેશ્વરનું સ્વયં-ઘોષિત જ્યોતિર્લિંગ હતું. ઔરંગઝેબે મંદિર તોડીને અહીં મસ્જિદ બનાવી હતી. 1991માં હરિહર પાંડે, સોમનાથ વ્યાસ અને રામરંગ શર્માએ આ અંગે કોર્ટમાં અરજી કરી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે મસ્જિદ મંદિરના અવશેષોમાંથી બનાવવામાં આવી હતી.

બીજી તરફ મથુરામાં શ્રી કૃષ્ણના જન્મસ્થળ અને શાહી ઈદગાહને લઈને વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં આ વિવાદ 13.37 એકર જમીનના માલિકી હક્કનો છે. જ્યારે 11 એકર જમીન પર શ્રી કૃષ્ણ મંદિર છે, ત્યાં 2.37 એકર જમીન પર શાહી ઇદગાહ મસ્જિદ છે, હિન્દુ પક્ષ આ સ્થાનને શ્રી કૃષ્ણના જન્મસ્થળ તરીકે દાવો કરે છે.