પાટણનું અતિપૌરાણિક મહાલક્ષ્મી મંદિર, 21 પેઢીથી કરે છે માતાજીની સેવા-પૂજા
ભાવેશ ભોજક, પાટણઃ ધનતેરસ એટલે ધનની દેવી મહાલક્ષ્મીની આરાધનાનો દિવસ. ધનતેરસના પાવન દિવસે પાટણ શહેરમાં આવેલા અતિપ્રાચીન મહાલક્ષ્મી માતાના ઘર મંદિરમાં માતાજીની પૌરાણિક મૂર્તિના દર્શન કરવાથી ભક્તોની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધનતેરસના દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો દર્શન માટે છે અને ધન્યતા અનુભવે છે.
ઐતિહાસિક નગર પાટણમાં અનેક મંદિરો આવેલા છે અને દરેક મંદિરોનો આગવો ઇતિહાસ જોવા મળે છે. તેમાંનું જ એક મંદિર એટલે ત્રણ દરવાજામાં આવેલા મહાલક્ષ્મી માતાના મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો પાટણમાં ગાયકવાડ સરકાર સમયમાં ઇસ 1203ની સાલ એટલે 872 વર્ષ પૂર્વે રાજસ્થાન ભીલમાલથી આવેલા લાધૂજી પાંડે પરિવારે સ્થાપિત કરેલા મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક ઘરમંદિર આવેલું છે. તેના પર આજદિન સુધી ક્યારેય ધજા ચડી નથી. તેથી જ આ મંદિરને ઘરમંદિર પણ કહેવામાં આવે છે. આ સાથે મંદિરમાં 21 પેઢીથી માતાજીની પૂજાની પરંપરા જળવાઈ રહી છે.
રાજસ્થાન ભીલમાલથી પાટણ વસેલા લાધુજી પાંડેનો પરિવાર 21 પેઢીથી મહાલક્ષ્મી માતાની સવારે 4 વાગે પહેલા પરોઢિયે શણગાર અને પૂજા વિધિ કરવાની પરંપરા અકબંધ રાખી રહ્યો છે. ધનતેરશે 21 લીટર દૂધથી માતાજીનો અભિષેક કરવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાતમાં લક્ષ્મી માતાજીના અનેક મંદિર છે. પરંતુ મહાલક્ષ્મી માતાજીનું પૌરાણિક એક જ મંદિર છે. જેથી ધનતેરસે મંદિરનો મહિમા વધી જાય છે. આ દિવસે માતાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. જેમાં વહેલા પરોઢિયે 5 બ્રાહ્મણ દ્વારા વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 21 લિટર ગાયના દૂધનો અભિષેક, માતાજીને કમળની આંગી અને વિશેષ શણગાર કરી ભક્તોના દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકતા મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.