September 10, 2024

કેવી રીતે મપાય છે વરસાદ? આવો જાણીએ ઓટોમેટિક અને મેન્યુઅલ યંત્ર વિશે

સાગર ઠાકર, જૂનાગઢઃ આજના યુગમાં હવામાન સંબંધિત જાણકારી અનેક રીતે ઉપયોગી સાબિત થાય છે. ખાસ કરીને હાલ જ્યારે ચોમાસું ચાલી રહ્યું છે, ત્યારે સૌ કોઈને ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે તે જાણવાની ઉત્સુકતા હોય છે. ત્યારે અમે તમને જણાવીશું કે કેટલો વરસાદ વરસ્યો છે તેની જાણકારી કઈ રીતે મળે છે, કેવી રીતે તેનું માપન કરવામાં આવે છે અને તેની જાણકારી થી શું ફાયદો થાય છે.

શિયાળામાં કેટલી ઠંડી પડી… ઉનાળામાં કેટલી ગરમી પડી અને ચોમાસામાં કેટલો વરસાદ પડ્યો છે, તે જાણવાની આજે સૌ કોઈને ઉત્સુકતા હોય છે. આજના યુગમાં આ તમામ જાણકારી ટેકનોલોજીની મદદથી સંભવ બની છે. આધુનિક યુગમાં એવિએશન, નેવિગેશન અને સ્પેસ ટેકનોલોજીને પણ હવામાન અને વાતાવરણ સંબંધિત જાણકારીનો ઉપયોગ કરવો પડે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં હવામાન સેલ કાર્યરત છે જે ખેડૂતોને કૃષિ સંબંધિત જાણકારી આપે છે સાથોસાથ હવામાન સંબંધિત જાણકારી કૃષિ વૈજ્ઞાનિકોના સંશોધન અને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પણ ઉપયોગી સાબિત થાય છે.

કૃષિ વેધશાળામાં વરસાદના માપન માટે બે યંત્ર કાર્યરત છે. તેમાં એક ઓટોમેટિક અને બીજું મેન્યુઅલ યંત્ર છે. દેખાવમાં બંને યંત્ર લગભગ સરખા હોય છે પરંતુ તેની કાર્યપદ્ધતિ અલગ હોય છે. ઓટોમેટિક યંત્રમાં એક એવું મિકેનિઝમ હોય છે કે, તેમાં વરસાદ વરસે અને જે પાણી એકત્રિત થાય તેના ભરાવાથી એકગ્રાફ તૈયાર થાય અને તેના પરથી કેટલો વરસાદ વરસ્યો છે તે નક્કી થાય છે. જ્યારે મેન્યુઅલ યંત્રમાં વરસાદનું પાણી એક કેનમાં એકત્રિત થાય છે જેને એક કાચના માપકમાં લઈને જોવામાં આવે છે તેનાથી ખ્યાલ આવે છે કે કેટલો વરસાદ નોંધાયો છે. આ બંને યંત્ર કેટલો વરસાદ વરસ્યો છે તેની ચોક્કસ માહિતી આપે છે. ઓટોમેટિક યંત્રમાં વરસાદની તીવ્રતા પણ જોઈ શકાય છે, જ્યારે મેન્યુઅલ યંત્રમાં વરસાદની તીવ્રતા માપી શકાતી નથી. પરંતુ જે આંકડા મળે છે તે ચોક્કસ હોય છે. આ વેધશાળામાં આધુનિક અને પરંપરાગત એમ બંને ઉપકરણોની મદદથી વરસાદ સહિત વિવિધ હવામાન સંબંધિત જાણકારી એકત્રિત કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે.

આપણો દેશ કૃષિપ્રધાન દેશ છે અને કૃષિ વરસાદ પર આધારીત છે એટલે વરસાદ સંબંધિત જાણકારી ખેતી પાકની વૃદ્ધિ, વિકાસ અને ઉત્પાદન માટે મહત્વની હોય છે. ખેતી પાક, હવામાન અને આબોહવા વચ્ચેના સંબંધો જાણવા વરસાદ સહિત હવામાનના જુદા જુદા પરિબળોના અવલોકનો જરૂરી હોય છે. હવામાનના લાંબા ગાળાના સરેરાશ અવલોકન કૃષિ, સંશોધન અને અભ્યાસ માટે મહત્વના સાબિત થાય છે. તેથી જ કૃષિ યુનિવર્સિટીમાં હવામાન સેલમાં સ્થાપનાથી લઈને આજદિન સુધીના હવામાનના તમામ પરિબળોના અવલોકનો ઉપલબ્ધ છે.

કૃષિ વેધશાળામાં હવામાનના પરિબળોના માપન માટેના અલગ અલગ તમામ આધુનિક ઉપકરણો આવેલા છે. જેની મદદથી નિયમિત તેના ડેટા એકત્રિત કરવામાં આવે છે. જેનો ખેડૂતો, સંશોધકો અને વિદ્યાર્થીઓનાં અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવે છે. ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં ખાસ કરીને ખેડૂતો માટે વાવણી, દવાનો છંટકાવ, પાકનો ઉતારો કરવો વગેરે અનેક કૃષિ કાર્યો માટે વરસાદની જાણકારી ઉપયોગી સાબિત થઈ રહી છે.