October 12, 2024

મિડલ ઇસ્ટનો તણાવ દૂર કરશે ભારત!, વિદેશ મંત્રી એસ જયશંકરે બનાવી મજબૂત યોજના

India on Middle East: મિડલ ઇસ્ટમાં ભારતનો પ્રભાવ સતત વધી રહ્યો છે. સોમવારે ગલ્ફ દેશ અને ભારત વચ્ચેના સંબંધોનો નવો આયામ સામે આવ્યો. વિદેશ મંત્રી એસ જયશંકર મધ્ય પૂર્વની સૌથી મહત્વપૂર્ણ 6 દેશોની સંસ્થા ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ સાથેની પ્રથમ બેઠક માટે સાઉદી અરેબિયા પહોંચી ગયા છે. જયશંકરની મુલાકાત પહેલા વિદેશ મંત્રાલયે કહ્યું છે કે મુલાકાત દરમિયાન એસ. જયશંકર GCC સભ્ય દેશોના વિદેશ મંત્રીઓ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે. મહત્વનું છે કે, ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલમાં 6 દેશો – સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન, કતાર, કુવૈત અને ઓમાનનો સમાવેશ થાય છે

ભારત GCCનો અગ્રણી વેપારી ભાગીદાર
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, GCC ક્ષેત્ર ભારત માટે એક મુખ્ય વેપાર ભાગીદાર દેશ તરીકે ઉભરી આવ્યો છે અને અહી લગભગ 89 લાખની વિશાળ વસ્તી નિવાસ કરે છે. વિદેશ મંત્રીઓની બેઠક ભારત અને GCC દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સંસ્થાકીય સહયોગની સમીક્ષા અને તેને ગાઢ બનાવવાની તક હશે. આ પછી જયશંકર 10 થી 11 સપ્ટેમ્બર સુધી જર્મની અને 12 થી 13 સપ્ટેમ્બર સુધી સ્વિટ્ઝર્લેન્ડની પણ મુલાકાત લેશે.

ભારતની મુલાકાતે ક્રાઉન પ્રિન્સ
દરમિયાન, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન 9 થી 10 સપ્ટેમ્બર સુધી બે દિવસની સત્તાવાર મુલાકાતે ભારત આવશે. ક્રાઉન પ્રિન્સ દ્વિપક્ષીય સહયોગ અંગે ચર્ચા કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે.