October 5, 2024

કડીની શારદા બીએડ કોલેજને બંધ કરવા આદેશ, શિક્ષણ જગતમાં ખળભળાટ

ભાવેશ ભોજક, પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન મહેસાણા જિલ્લાના કડીના રાજપુર ગામે ચાલતી શારદા બીએડ કોલેજ માત્ર કાગળ પર ચાલતી હોવાની ફરિયાદ મળી હતી. ત્યારે યુનિવર્સિટી તેમજ સરકારની તપાસ સમિતિ દ્વારા સ્થળ ચકાસણી કરતા આ કોલેજ માત્ર નામ પૂરતી ચાલતી હોવાનું સામે આવ્યું હતું. સરકાર દ્વારા આ કોલેજ તાત્કાલિક અસરથી બંધ કરવા યુનિવર્સિટીને આદેશ કરતા યુનિવર્સિટીએ આ કોલેજનું જોડાણ રદ કરી કોલેજ બંધ કરાવતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના રાજપુર ગામે છેલ્લા દસ વર્ષથી શ્રેય એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શારદા બીએડ કોલેજ કાગળ ઉપર ચાલતી હોવા અંગેની લેખિત રજૂઆત પાટણ યુનિવર્સિટીને મળી હતી. આ સંદર્ભે યુનિવર્સિટી દ્વારા જાણ સરકારમાં પણ કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી અને સરકારની તપાસ સમિતિની બે ટીમ દ્વારા આ કોલેજની સ્થળ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મંજૂરી વિના કોલેજનું સ્થળ ફેર, સ્ટાફનો અભાવ, ભૌતિક સુવિધાનો અભાવ નિમણૂકની પ્રક્રિયા વર્ષ 2024-25નું શૈક્ષણિક કાર્ય થયેલું ન હોવાનું વિદ્યાર્થીઓની ગેરહાજરી જેવી અનેક ગેરરીતિઓ સામે આવી હતી.

યુનિવર્સિટીની તપાસ સમિતિ દ્વારા આ રિપોર્ટ શિક્ષણ વિભાગમાં મોકલવામાં આવતા સરકારે તાત્કાલિક અસરથી શારદા બીએડ કોલેજનું રદ કરી બંધ કરવા યુનિવર્સિટીને આદેશ કરતા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજનું જોડાણ તાત્કાલિક રદ કરીને બંધ કરવાનો આદેશ કર્યો છે. જેને લઇને શિક્ષણ જગતમાં હડકંપ મચી છે. જો કે, છેલ્લા દસ વર્ષથી ચાલતી આ બીએડ કોલેજ કોની રહેમ નજર હેઠળ ચાલતી હોવાથી લઈને પણ અનેક ચર્ચાઓ થઈ રહી છે.

એનસીટીના નિયમ મુજબ બીએડ કોલેજોને 50 અથવા 100 સીટ અને ews અનુક્રમે 10 અને 5 વિદ્યાર્થીઓ ફાળવવામાં આવે છે. આ કોલેજમાં 100 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે તેવા સેમેસ્ટર ત્રણ અને સેમેસ્ટર ચારના વિદ્યાર્થીઓને આજુબાજુની અન્ય કોલેજોમાં પ્રવેશ આપવામાં આવશે અને સરકારનું માર્ગદર્શન પણ આ બાબતે લેવામાં આવશે. તેમ જ વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી છે તે અંગે પણ સરકારનો અભિપ્રાય લેવાશે.

વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા તેમજ શિક્ષણના નામે વેપલો કરનારા આવા સંચાલકો કોના ઇશારે માત્ર કાગળ ઉપર કોલેજો દર્શાવી છેલ્લા ઘણાં વર્ષોથી દુકાનો ચલાવી રહ્યા છે તે બાબતને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે.