November 24, 2024

ગુજરાતી ફિલ્મ કલાકાર વિક્રમ ઠાકોર પર દુ:ખના વાદળો ઘેરાયા, માતાનું થયું અવસાન

Vikram Thakor Mother Passed Away: ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને અર્બન ગુજરાતના લોકવાડીલા સિંગર અને અભિનેતા વિક્રમ ઠાકોરના માથે દુખોનો પહાડ તૂટી પડ્યો છે. વિક્રમ ઠાકોરના માતા લક્ષ્મીબા ઠાકોરનું ગઈ કાલે રાત્રીના સમયે અવસાન થયું છે. માતાના અવસાનથી વિક્રમ ઠાકોરના પરિવાર અને તેમના ફેન્સમાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે. તેમજ વિક્રમ ઠાકોરના ફેન્સ સોશિયલ મીડિયાના માધ્યમથી વિક્રમ ઠાકોરના દુ:ખમાં સહભાગી બની રહ્યા છે.

આ સાથે જ ગુજરાતના સિંગર અને અભિનેતાઓ સહિત રાજકીય નેતાઓ પણ વિક્રમ ઠાકોરના માતૃશ્રીના અવસાન બાદ શોક વ્યક્ત કરી રહ્યા છે અને અભિનેતાને આ દુખના સમયમાં હિંમત આપી રહ્યા છે. વિક્રમ ઠાકોરના ફેન્સે સોશિયલ મીડિયાના માધ્યમથી શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમના ફેન્સ દ્વારા સોશિયમ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને લખ્યું કે,”તેમની દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના… ઓમ શાંતિ…”

તમને જણાવી દઈએ કે, વિક્રમ ઠાકોર ખુબ જ નાની ઉંમરે ગુજરાતી લોકગીતો ગાતા આવ્યા છે અને તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. ગુજરાતમાં વિક્રમ ઠાકોરના લાખો ફેન્સ છે. વિક્રમ ઠાકોર ગાંધીનગર નજીક આવેલ ફતેહપુરાના વતની છે. દસ વર્ષની વયથી તેઓ તેમના પિતા મેલાજી ઠાકોર સાથે રંગમંચ ઉપર વાંસળી વગાડવા જતા હતા. તેમના પિતા સંતવાણી અને ભજનના ગાયક હતા. વીસ વર્ષની વયે તેમણે રંગમંચ પરથી એકલા કાર્યક્રમો આપવાના શરુ કર્યા હતા. વિક્રમે વર્ષ 2006 માં દિગ્દર્શકના કહેવાથી એકવાર પિયુને મળવા આવજે ફિલ્મ કરી હતી જે સફળ રહી હતી. ત્યારથી તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે જે મોટે ભાગે ગ્રામ્ય દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે સળંગ આઠ સફળ ફિલ્મો આપી છે.