November 24, 2024

ગુજરાત પોલીસે મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી અટકાયત કરી

MUFTI - NEWSCAPITAL

ગુજરાત પોલીસે ગતરોજ મુંબઈ સ્થિત ઈસ્લામિક ઉપદેશક મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢમાં કથિત રીતે ભડકાઉ ભાષણ આપવા બદલ અટકાયત કરી હતી. આ દરમિયાન તેમના સમર્થકોની ભારે ભીડ જોવા મળી હતી. થોડા દિવસો પહેલા જૂનાગઢમાં આપેલા તેમના ભાષણ બાદ ગુજરાત પોલીસે મુસ્લિમ મૌલાના અને અન્ય બે લોકો સામે FIR નોંધી હતી. પોલીસે રવિવારે સાંજે મુફ્તી સલમાન અઝહરીને ઝડપી લીધો હતો. મુફ્તી સલમાન અઝહરીને મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના સમર્થકોના ટોળાએ બહારથી પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. હાલમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા મૌલાનાના વકીલે કહ્યું કે, મુફ્તી સલમાન તપાસમાં સહકાર આપવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જો કે, આ મામલે પોલીસ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

સમર્થકોને વિરોધ ન કરવા અપીલ

દિવસ દરમિયાન, મુફ્તી સલમાન અઝહરીના સોશિયલ મીડિયા હેન્ડલ X પરથી ઘણી ટ્વિટ કરવામાં આવી હતી. તેમાંથી એકમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તેમને સવારે 11.56 વાગ્યે ગુજરાત ATS, મુંબઈ ATS અને ચિરાગ નગર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા હતા. અન્ય પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, 25 થી 30 પોલીસકર્મીઓએ મુફ્તી સલમાનની સોસાયટીને ઘેરી લીધી છે અને તેમને તેમના ઘરે નજરકેદ કરી રહ્યા છે. ભડકાઉ ભાષણના કેસમાં અટકાયત કરાયેલા મૌલાના પણ પોતાના સમર્થકોને વિરોધ ન કરવા વિનંતી કરતા જોવા મળ્યા હતા. ન્યૂઝ એજન્સી ANI દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં મુફ્તી સલમાન અઝહરીને કહેતા સાંભળી શકાય છે કે, ‘ન ​​તો હું ગુનેગાર છું અને ન તો મને અહીં કોઈ ગુનો કરવા માટે લાવવામાં આવ્યો છે. તેઓ જરૂરી તપાસ કરી રહ્યા છે અને હું પણ તેમને સમર્થન આપી રહ્યો છું.

શું છે સમગ્ર મામલો ?

મૌલાના પર આરોપ છે કે, તેમણે 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં એક કાર્યક્રમ દરમિયાન ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે મુફ્તી સલમાન, ઈવેન્ટ આયોજકો મોહમ્મદ યુસુફ મલિક અને અઝીમ હબીબ ઓડેદરા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 153B અને 505(2) હેઠળ FIR નોંધી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બંનેએ કાર્યક્રમ માટે તેમની પરવાનગી માંગી હતી અને કહ્યું હતું કે, અઝહરીનું સંબોધન ધર્મ અને વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવાનું હશે. જ્યારે વાયરલ વીડિયોમાં મૌલાનાને એમ કહેતા સાંભળી શકાય છે કે, કરબલાની છેલ્લી લડાઈ હજુ બાકી છે. આજે *##@ નો સમય છે, કાલે આપણો વારો આવશે.