November 24, 2024

દ્વારકાના જામરાવલ ગામે પાણી ઓસર્યા, તબાહીનાં દૃશ્યો સામે આવ્યાં

દેવભૂમિ દ્વારકાઃ જિલ્લાના જામકલ્યાણ તાલુકાના જામ રાવલ ગામે પૂરના પાણી ઓસરતા તારાજીનાં દૃશ્યો સામે આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લો જળતરબોળ થઈ ગયો હતો અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

વરસાદનું પાણી ઓસરતા હવે ઠેર ઠેરથી તબાહીના દૃશ્યો સામે આવી રહ્યા છે. તો બીજી તરફ હજુ ઘણાં વિસ્તાર પાણીમાં જ ગરકાવ છે. જામરાવલના મયુર નગર, લીરબાઈ નગર, રામદેવપીર ચોક, પરમાર ફળીમાં પાણી ઓસરી ગયા છે.

લોકોનો તંત્ર સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ઘર, દુકાન, ઓફિસ, સ્ટોરમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. તો ઘણી જગ્યાએ પશુઓના પણ મોત નીપજ્યા છે. લોકોના ઘરમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

લોકોની ઘરવખરી સહિત તમામ સામાન પલળી ગયો છે. રાવલના સૂર્યાવદર રોડ સિવાય અન્ય રોડ હજુ પાણીમાં ગરકાવ છે. રાણપરડા ગામમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.