દ્વારકામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી, ત્રણ બાળકો નોંધારા બન્યાં
મનોજ સોની, દેવભૂમિ દ્વારકાઃ આર્થિક સંકડામણ ઉપરાંત નશો અને ઘર કંકાસ આ કારણોથી એક ઘરનો માળો વિખેરાય ગયો હતો. નશામાં ધૂત પતિએ રાત્રિના પત્નીને મોતને ઘાટ ઉતારી સવારે પોતે પણ ગળેફાંસો ખાઈ લેતા બે નાના પુત્રો અને નાની દીકરીએ માતા પિતાની છત્રછાયા ગુમાવી છે.
દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે નશામાં ચકચૂર હેવાને પત્નીની હત્યા કરી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર મચી છે. ઘરકંકાસના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામ ખાતે રહેતા 40 વર્ષીય શૈલેષ સોની નામના પતિએ મંગળવારે 38 વર્ષીય પત્ની જશુ સોનીને માથા સહિતના ભાગે મૂંઢમાર મારવામાં આવતા પત્નીનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. ત્યારે સવારે 04:00 વાગ્યે પતિ-પત્ની વચ્ચે થયેલી માથાકૂટમાં પતિ દ્વારા પત્નીને માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ દંપતિ ઘરમાં સૂઈ ગયું હતું. પરંતુ સવારના 9:30 વાગ્યા સુધીમાં પણ પત્નીએ હલનચલન ન કરતા પતિએ તપાસ કરતા પત્ની મૃત્યુ પામી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી શૈલેષ સોનીએ 15 વર્ષીય પુત્રીને ભાઈઓ બહેનો સાથે મળીને મંદિરમાં દીવા કરી પ્રાર્થના કરવાનું કહ્યું હતું. ત્યારે શૈલેષ સોનીના ત્રણ સંતાનો દ્વારા મંદિરમાં ઈશ્વર સમક્ષ દીવા કરીને પ્રાર્થના કરવામાં આવી રહી હતી. તો બીજી તરફ શૈલેષ સોનીએ ઘરમાં જ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આમ ગણતરીના કલાકોમાં ત્રણ સંતાનોએ માતા તેમજ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીઓનો પ્રવેશની માંગ સાથે વિરોધ
આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ ઉષા અખેડ દ્વારા બનાવ સંદર્ભે તપાસ શરૂ કરવામાં આવી છે. આ સાથે જ બંને મૃતકોની લાશને પીએમ અર્થે પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે ઘરમાં હાજર રહેલા સંતાનોના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. શૈલેષ સોનીની 15 વર્ષીય પુત્રીએ પોલીસને નિવેદન આપતા જણાવ્યું છે કે, સવારે ચાર વાગ્યાના અરસામાં માતા-પિતા વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે પિતા દ્વારા માતાને મૂંઢમાર માર્યો હતો. ઝઘડો કર્યા બાદ માતા-પિતા ઘરમાં જ સૂઈ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક જશુ સોનીને અગાઉ એક્સિડેન્ટમાં માથાના ભાગે હેમરેજ થયું હતું. ત્યારે સંભવતઃ માથાના એ જ ભાગ પર પતિ દ્વારા માર મારવામાં આવતા પત્નીનું મૃત્યુ નીપજ્યું છે. ત્યારે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે. છ મહિના અગાઉ પત્નીએ મૃતક પતિ જશુ સોની સામે દારૂ પીને માથાકૂટ કરવામાં આવતી હોવાની કલ્યાણપુર પોલીસને રજૂઆત કરી હતી. તે સમયે કલ્યાણપુર પોલીસે શૈલેષ સોનીને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ રૂ. 2000ની નોટ બાદ હવે RBIએ 500ની નોટને લઈ કરી મોટી જાહેરાત
પોલીસની પ્રાથમિક તપાસમાં 16 વર્ષ પૂર્વે શૈલેષ અને જસુના લગ્ન થયા હોવાનું સામે આવ્યું છે. શૈલેષ સોની કામના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું તેમજ દારૂ પીવાની કુટેવ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ નશામાં પત્ની તેમજ બાળકોને પણ અવારનવાર મારકૂટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. શૈલેષ આર્થિક સંકડામણના કારણે સોની કામનું છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનોમાં એક પુત્રી ખુશી સોની, પુત્ર ધાર્મિક સોની, પુત્ર પાર્થ સોની આ ત્રણ સંતાનો તેમજ તેમના મૃતકના માતા સવિતાબેન સોની નોંધારા બન્યા છે.0 શૈલેષ સોનીની નશાની આદતે પત્નીનો જીવ લીધો અને પરિવારનો માળો પણ વિખેરી નાંખ્યો છે. નાના બાળકોએ નાની ઉંમરમાં માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. ત્યારે આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે લાશની પીએમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.