June 30, 2024

દ્વારકામાં 21 કરોડનું ચરસ ઝડપાયું, એક વ્યક્તિની ધરપકડ

મનોજ સોની, દ્વારકાઃ જિલ્લામાં 21 કરોડની કિંમતનો ચરસના જથ્થા એક શખ્સ પણ ઝડપાયો છે. છેલ્લા એક માસમાં 61 કરોડના ચરસના જથ્થાને બિનવારસી હાલતમાં ઝડપાયા બાદ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના સીમ વિસ્તારમાંથી પોલીસે 21 કરોડની કિંમતનો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં છેલ્લા કેટલાક દિવસોથી સમયાંતરે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સના પેકેટો મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે મંગળવારે કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામના રહીશ એવા એક આસામીના રહેણાંક મકાનમાંથી 40 જેટલા પેકેટ ચરસનો જથ્થો પોલીસને સાંપડ્યો છે. 42 કિલોથી વધુ વજનના આ ચરસની કિંમત રૂપિયા 21.06 કરોડ ગણવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરી હત્યા, આરોપીની ધરપકડ

SOGના ઈન્ચાર્જ PI પીસી સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા કલ્યાણપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોના સ્થાનિક રહીશો સાથે કરવામાં આવી રહેલી મિટીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર નજીક આવેલા નાવદ્રા ગામની બહારના વિસ્તારમાં રહેતા દેવશી રાજાભાઈ વાઘેલા નામના શખ્સના રહેણાંક ઝૂંપડામાં દરોડો પાડી અને ઘરમાં ખાટલા નીચે છુપાવીને રાખવામાં આવેલા ચરસના 40 પેકેટ કબજે કર્યા હતા. આ અંગેની તપાસણીમાં રૂપિયા 21.06 કરોડની કિંમત ધરાવતા 42.135 કિલોગ્રામ ચરસનો આ જથ્થો પોલીસે કબજે લઈ શખ્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ (એનડીપીએસ એક્ટ) અન્વયે ગુનો નોંધી આગળની તપાસ કલ્યાણપુરના PSI યુબી અખેડને સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ હરણી બોટકાંડ મામલે રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અહેવાલ રજૂ કર્યો

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં દ્વારકા પંથકમાંથી પોલીસને કુલ રૂપિયા 61.86 કરોડની કિંમતના 115 પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે. ત્યારે કલ્યાણપુરમાં એક આસામી પાસેથી આ પ્રકારના ચરસનો વધુ જથ્થો ઝડપાતા ચર્ચા જાગી છે.

આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક મળતી વિગતો અનુસાર, આરોપીને દરિયાકિનારેથી આ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં મળ્યો હોવાથી તે જથ્થો ઘરે લઈ જતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસે તેના ઝૂંપડાએથી આ ચરસનો જથ્થો કબજે કરી આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે લોકોને આ મામલે જાગૃત કરી આવી કોઈ ચીજ વસ્તુઓ દરિયાઈ કિનારે મળી આવે તો પોલીસને જાણ કરવાની જાહેરાત પણ કરી હતી. પરંતુ આરોપીએ દરિયાકિનારેથી મળી આવેલા આ ચરસના જથ્થાને ઘર સુધી લઈ ગુનેગાર બન્યો છે. આ સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.