September 10, 2024

પાંડવો પરથી ભાઈઓની હત્યાનું કલંક ઉતાર્યું ‘ને કહેવાયા ‘નિષ્કલંક મહાદેવ’

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો ચોથો દિવસ છે. ત્યારે આજે આપણી શિવાલય યાત્રા પહોંચી ગઈ છે ભાવનગરના દરિયાકિનારે. અહીં બિરાજમાન છે ‘નિષ્કલંક મહાદેવ’ (Nishkalank Mahadev). આવો જાણીએ ઇતિહાસ સહિત તેની સાથે જોડાયેલી અવનવી વાતો…

ગુજરાતના ભાવનગરમાં કોળિયાક દરિયાકિનારાથી ત્રણ કિલોમીટર અંદર અરબ સાગરમાં નિષ્કલંક મહાદેવનું શિવાલય આવેલું છે. અહીં દરિયાનાં મોજાં દરરોજ શિવલિંગનો જળાભિષેક કરે છે. લોકો પાણીમાં પગપાળા ચાલીને જ દર્શન કરવા જાય છે. શિવભક્તોને દર્શન માટે ઓટ આવવાની રાહ જોવી પડે છે. ભરતી સમયે માત્ર મંદિરની ધ્વજા અને સ્તંભ જ દેખાય છે અને સમગ્ર મંદિર જળમગ્ન થઈ જાય છે.

આ મંદિરમાં શિવજીના પાંચ સ્વયંભૂ શિવલિંગ છે. પાંચેય શિવલિંગ સામે નંદીની પ્રતિમા પણ છે. પાંચેય શિવલિંગ એક વર્ગાકાર ચબૂતરા ઉપર બનેલાં છે. આ ચબૂતરા ઉપર એક નાનું પાણીનું તળાવ છે. જેને પાંડવ તળાવ કહેવામાં આવે છે. શ્રદ્ધાળુઓ પહેલાં તેમાં હાથ-પગ ધોવે છે અને પછી શિવલિંગની પૂજા-અર્ચના કરે છે.

શું છે પૌરાણિક કથા?
મંદિરની પૌરાણિક કથા વિશે વાત કરીએ તો, મહાભારતનું યુદ્ધ પૂરું થયા પછી કૌરવો સહિત અનેક લોકોનો વધ કર્યા પછી પાંચેય પાંડવોને થયું કે આપણા માથે આ કલંક છે. આ કલંકને કેવી રીતે દૂર કરવું તેના નિવારણ માટે પાંચેય પાંડવો દુર્વાસા ઋષિ પાસે ગયા. દુર્વાસા ઋષિએ પાંડવોની વ્યથા સાંભળીને કહ્યું કે, આ કાળી ધજા લઈ તમે દરિયાકિનારે ચાલતા જાવ. જ્યારે પવિત્ર ધરતી આવશે ત્યારે આ કાળી ધજા ધોળી થઈ જશે, ત્યારે તમે માનજો કે કલંક ઉતરી ગયું છે.

આમ પાંડવો ચાલતાં ચાલતાં જ્યારે ભાવનગરના કોળિયાક ગામના સમુદ્રકિનારે પહોંચ્યા ત્યારે ધજાનો રંગ બદલાઈને સફેદ થઈ ગયો. અહીં પાંડવોએ સમુદ્રસ્નાન કર્યું અને ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. શિવજીએ પાંચેય પાંડવોને દર્શન આપ્યા હતા. ભોળાનાથને પાંડવોએ વિનંતી કરી કે, પ્રભુ અમને દર્શન આપ્યાનું આ જગ્યામાં પ્રમાણ આપવું પડશે. ત્યારે શિવે પાંચેય પાંડવોને કહ્યું કે, તમે રેતીથી શિવલિંગ બનાવો, આ પવિત્ર જગ્યા પર તમારું કલંક ઊતર્યું છે, તેથી આ જગ્યા ‘નિષ્કલંક’ નામે ઓળખાશે. ભગવાન ભોળાનાથ તેમની તપસ્યાથી પ્રસન્ન થયા અને પાંચ ભાઇઓને લિંગ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. તે પાંચેય શિવલિંગ આજે પણ છે.

આ પાણીમાં અસ્થિઓ પધરાવવાથી મોક્ષ મળે છે
આ મંદિરની એક ખાસ રસપ્રદ વાત એ છે કે, તે દરિયામાં વચ્ચે આવેલું છે અને દરિયાનાં મોજાં પણ તેની આસપાસ ઉછળતાં રહેતા હોય છે. ભક્તો મંદિરમાં જવા માટે દરિયામાં ઓટ આવે એની રાહ જોતા હોય છે. દરિયાનું પાણી અમુક કલાકો પૂરતું જ ઊતરતું હોય છે. એ જ સમયમાં ભક્તો નિષ્કલંક મહાદેવ મંદિરમાં જઈને દર્શન કરી આવે છે. સાંજે સાત વાગ્યા પછી ભરતી શરૂ થતાં મંદિર ફરી પાણીમાં ડૂબી જાય છે. લોકોનું માનવું છે કે મૃત્યુ પામતા સ્વજનોના અસ્થિ આ પાણીમાં પધરાવવાથી મૃતક વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

અમાસના દિવસે થાય છે વિશેષ પૂજા
જોકે, અહીં આવીને પાંડવોને પોતાના ભાઇઓના કલંકથી મુક્તિ મળી હતી, જેથી આ સ્થાનને નિષ્કલંક મહાદેવ કહેવામાં આવે છે. ભાદરવા મહિનાની અમાસના રોજ અહીં મેળો યોજાય છે જેને ભાદ્રવી કહેવામાં આવે છે. દર અમાસે આ મંદિરમાં ભક્તોની વિશેષ ભીડ રહે છે. જોકે, પૂનમ અને અમાસના દિવસે ભરતી વધારે સક્રિય રહે છે છતાંય શ્રદ્ધાળુઓ ઓટની રાહ જોવે છે અને પછી ભગવાન શિવના દર્શન કરે છે. માન્યતા છે કે, આ મંદિરમાં આવીને ભક્તો અને શ્રદ્ધાળુઓના બધા જ પાપ નષ્ટ થઇ જાય છે.

કેવી રીતે પહોંચવું?
નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લામાં કોળિયાક ગામમાં આવેલું છે. ભાવનગર રેલવે સ્ટેશનથી આ મંદિર 24 કિમીનાં અંતરે આવેલું છે. અમદાવાદથી સડક-માર્ગે તેમજ મુંબઈથી રેલવે કે હવાઈમાર્ગે સરળતાથી ભાવનગર પહોંચી શકાય છે. ભાવનગરથી નિષ્કલંક જવા પુષ્કળ ટેક્સીઓ કે રિક્ષાઓ મળી શકે છે.