March 15, 2025

વસ્ત્રાલમાં આતંક મચાવનારા લુખ્ખાઓનાં ઘર પર ફરશે દાદાનું બુલડોઝર

અમદાવાદઃ વસ્ત્રાલમાં કેટલાક અસામાજિક તત્વોના આતંકની ઘટનાના 24 કલાકમાં જ સરકારે મોટો નિર્ણય લીધો છે. તમામ આરોપીઓનાં ઘર પર બુલડોઝર ફેરવવાનો આદેશ આપી દીધો છે. પોલીસ કમિશનર સહિત તમામ પોલીસ અધિકારીઓ આરોપીઓનાં ઘરે પહોંચ્યા છે.

આ મામલે પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, આરોપીઓએ રામોલ વિસ્તારમાં જાહેર રોડ પર તોડફોડ કરી હતી. પંકજ ભાવસાર નામનો આરોપી પાસામાં જઈ આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે. આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક જુવેનાઇલ છે અને 13 આરોપીઓ છે. તેમને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. જો કોઈ આવું ફરીવાર કરશે તો પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યુ છે કે, 14માંથી 7 આરોપીઓનાં ઘર ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું છે. ત્યારે તેમના ઘર પર હવે બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે.