સેક્સ પાવર વધારવાની દવાના નામે ઠગાઈ, પોલીસે 2 આરોપીની ધરપકડ કરી
મિહિર સોની, અમદાવાદઃ સેકસ્યુઅલ પાવર વધારવાની આર્યુર્વેદિક દવાના વેચાણની આડમાં ઠગાઈ કરતી ગેંગના 2 આરોપીની સાયબર ક્રાઈમે ધરપકડ કરી છે. આ ટોળકી ખાનગી મેડિકલ ડેટાનો ઉપયોગ કરીને સાયબર ક્રાઈમના નામે ઠગાઈ કરતી હતી.
સાયબર ક્રાઇમે અજય ઉર્ફે અજ્જુ વર્મા અને હિમાંશુ પરમારની ધરપકડ કરી છે. બંને આરોપી ભેગા મળી સેકસ્યુઅલ પાવર વધારવાની આર્યુર્વેદિક દવાના વેચાણની આડમાં છેતરપિંડી કરતા હતા. આરોપીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો સોશિયલ મીડિયા પર આયુર્વેદિક દવા પોસ્ટ કરતા અને તે પોસ્ટને લાઈક કે કૉમેન્ટ કરનારા મોબાઈલ નંબર મેળવી લઈને આરોપીઓ તેને ફોન કરીને ગાંધીનગર સાયબર ક્રાઈમના PSI હોવાની ઓળખ આપતા હતા.
ત્યારબાદ તમે ઓનલાઈન દવા મંગાવી રીસીવ ન કરી હતી અને પાછી આપી ખરાબ રીવ્યૂ આપ્યા છે. જે અંગે અર્બન મેટ્રો કંપનીએ કેસ કર્યો છે, તેવું જણાવી સાયબર ક્રાઈમના નામની નોટીસ મોકલી આપતા હતા. જેથી નોટિસ જોતા જ વ્યક્તિ ગભરાઈ જતા અને બાદમાં કેસ પતાવટના બહાને પૈસા પડાવતા હતા. જેમાં તાજેતરમાં ઓઢવમાં ફર્નિચરનું કામ કરતા વિષ્ણુ પંચાલ નામના વેપારીએ આ રીતે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ કરી બાપુનગર વિસ્તારમાંથી બે આરોપીઓ ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ નરોડામાં ફાયરિંગ મામલે 3 આરોપીની ધરપકડ, 60 હજારની સોપારી આપી હતી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી અજય વર્મા પહેલા અંકુશ આયુર્વેદા નામની કંપનીમાં સેલ્સમેન તરીકે ફરજ બજાવતો હતો. તે સમયે એક ગ્રાહક સાથે સાયબર ક્રાઈમની નોટીસ મોકલી આ રીતે ઠગાઈ કરી હતી. બસ પછી આરોપી અજય વર્માએ નોકરી છોડીને આ રીતે પૈસા કમાવવાનું શરુ કર્યું હતું. તેણે અન્ય આરોપીને સાથે રાખીને છેલ્લા 2 મહિનામાં અલગ અલગ 45 લોકો પાસેથી 5 લાખથી વધુ રકમ પડાવી છેતરપિંડી આચરી હતી. તેમજ આરોપીઓ વિરુદ્ધ સિલ્વાસા પોલીસ મથકે પણ ગુનો નોંધાયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓએ માત્ર ધોરણ 12 સુધી અભ્યાસ કરેલો છે. હાલ પકડાયેલા બંને આરોપીના રિમાન્ડ મેળવીને મોબાઈલ કબજે લઈ કેટલા લોકો સાથે આ રીતે ઠગાઈ કરી છે જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે.