November 24, 2024

NSE પર માત્ર 5 મહિનામાં રજિસ્ટર થયા આટલા કરોડ નવાં ઈન્વેસ્ટર

Share Market: ભારતના સામાન્ય રોકાણકારો હવે જોખમ સાથે રોકાણ કરવામાં વધુ રસ દાખવી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતમાં શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ભારતીય સ્ટોક માર્કેટ એક્સચેન્જ NSE (નેશનલ સ્ટોક એક્સચેન્જ) એ ગુરુવારે જણાવ્યું હતું કે 8 ઓગસ્ટ, 2024ના રોજ તેના નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 10 કરોડને વટાવી ગઈ છે.

NSE પર નોંધાયેલા ખાતાઓની કુલ સંખ્યા 19 કરોડ
ખાસ વાત એ છે કે NSEના કુલ 10 કરોડ રોકાણકારોમાંથી 1 કરોડ રોકાણકારો તો છેલ્લા 5 મહિનામાં જ નોંધાયા છે. એટલું જ નહીં એનએસઈએ જણાવ્યું કે એક્સચેન્જમાં નોંધાયેલા ક્લાયન્ટ કોડ્સ (એકાઉન્ટ્સ)ની કુલ સંખ્યા 19 કરોડ છે (ક્લાયન્ટ એક કરતાં વધુ ટ્રેડિંગ મેમ્બર સાથે નોંધણી કરાવી શકે છે).

ડિજિટલ થઈ રહેલા ભારતમાં શેરબજારમાં સરળ રોકાણ, રોકાણ કરવાની જાગરૂક્તામાં વૃદ્ધિ, સરળ કામગીરી અને બજાર સમાવેશના પ્રદર્શનને જોતા ગત 5 વર્ષમાં રોકાણકારોની સંખ્યામાં ત્રણ ગણાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં NSE પર રોકાણકારોની નોંધણીમાં જબરદસ્ત વધારો થયો છે.

આ પણ વાંચો: ‘ચીન ટપાક ડમ ડમ’ કેમ સોશિયલ મીડિયામાં વાયરલ થયું?

4 કરોડ રોકાણકારોને 25 વર્ષ લાગ્યા
એક્સચેન્જે જણાવ્યું હતું કે માર્ચ 2021માં નોંધાયેલા રોકાણકારોની સંખ્યા 4 કરોડ સુધી પહોંચવામાં 25 વર્ષથી વધુ સમય લાગ્યો હતો. આ પછી સરેરાશ 6-7 મહિનામાં દરેક (4 કરોડથી 10 કરોડ) રોકાણકારોમાં એક કરોડનો વધારો થયો છે.

દેશના યુવાનો શેરબજારમાં રસ દાખવી રહ્યા છે.
NSEને તેના છેલ્લા એક કરોડ રોકાણકારો ઉમેરવામાં માત્ર 5 મહિના લાગ્યા હતા. NSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 10 કરોડ નોંધાયેલા રોકાણકારોમાં રોકાણકારોની સરેરાશ ઉંમર 32 વર્ષ છે જ્યારે 5 વર્ષ પહેલા તે 38 વર્ષ હતી. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આજના ભારતના યુવાનો શેરબજારમાં ઘણો રસ દાખવી રહ્યા છે.

દર 5 રોકાણકારોમાંથી 1 મહિલા છે
વધુમાં આજે લગભગ 5માંથી 1 રોકાણકાર મહિલા છે. NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિષ્નને જણાવ્યું હતું કે, “રોકાણકારોની સંખ્યામાં આ ઉછાળા પાછળ ઘણા કારણો છે જેમાં સુવ્યવસ્થિત KYC પ્રક્રિયા, નાણાકીય સાક્ષરતામાં વધારો અને બજારના હકારાત્મક વલણોનો સમાવેશ થાય છે.