November 24, 2024

ગુજરાતના રાજકારણમાં થશે ફરી નવા જૂની!

દિલ્હીમાં યોજાયેલ કેબિનેટ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલે હાજરી આપી હતી. એ બાદ મુખ્યમંત્રીએ વડાપ્રધાન અને અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત લગભગ 3 કલાક જેટલી લાંબી ચાલી હતી. આ બેઠકના કારણે ગુજરાતના રાજકારણમાં ફરી કોઈ મોટી ઉથલ પાથલ થાય તેવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

ટુંક સમયમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવાના એંધાણ આવી રહ્યાં છે. એ વચ્ચે ગુજરાતમાં કોંગ્રેસ અને આપના ધારાસભ્યો દ્વારા રાજીનામા અપાઈ રહ્યા છે. જેના કારણે રાજ્યનું આંતરિક રાજકારણ પર ગરમાયું છે. ત્યારે મુખ્યપ્રધાનની વડાપ્રધાન સાથેની 3 કલાક લાંબી ચાલેલી મુલાકાતના કારણે અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય વર્તૂળોમાં ચર્ચા છેકે, આ બેઠકમાં સરકારની કામગીરી અને 2024ની ચૂંટણી પહેલા સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છેકે, ગુજરાતમાં BJPની કોર કમિટીમાં 6 મોટી જગ્યાઓ ખાલી છે. તેમાં પણ બે પદ રાજ્ય મહામંત્રીઓના ખાલી છે.

આ સિવાય બીજી ચર્ચા કેબિનેટના વિસ્તરણની પણ ચાલી રહી છે. નોંધનીય છેકે, ગુજરાતની ભૂપેન્દ્ર સરકારને ટુંક જ સમયમાં બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ રાજ્યમાં 156 બેઠકો પર જીત મેળવી હતી. એ સમયે પણ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ફરી સરકાર રચાયા બાદ મંત્રીમંડળના વિસ્તરણને લઈને અટકળો ચાલી રહી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા કેબિનેટનું વિસ્તરણ થાય છેકે નહી? આ ઉપરાંત રાજ્યમાં અનેક કોર્પોરેશનની જગ્યાઓ પણ ખાલી પડી છે. પહેલા કંઈ જગ્યા ભરાય છે એ જોવાનું રહ્યું.