November 9, 2024

અયોધ્યા ગયેલા ગુજરાતી શ્રદ્ધાળુઓની બસને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત

Gujarati Family Accident In Ayodhya: ગુજરાતથી યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. અયોધ્યાથી મથુરા જતી વખતે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણના મોત થયા છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. તમામ મૃતકો ગુજરાતના હોવાનું સામે આવ્યું છે. જાણવા મળી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં ટ્રાવેલ્સની જે બસને અકસ્માત નડ્યો છે તેમા 17 મુસાફરો હતો. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી પેસેન્જર બસ શુક્રવારે પાછળથી રસ્તા પર ઉભેલા ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ 3 ત્રણ યાત્રાળુઓના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અન્ય ઘાયલ મુસાફરોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

લખનઉ-આગ્રા એક્સપ્રેસ-વે પર સર્જાઇ દુર્ઘટના
અકસ્માતને લઈને માહિતી આપતાં ગ્રામીણ પોલીસ અધિક્ષક અખિલેશ ભદૌરિયાએ જણાવ્યું કે, ગુજરાતથી ઉત્તર પ્રદેશની યાત્રાએ નીકળેલા શ્રદ્ધાળુઓની બસ શુક્રવારે સવારે એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભોગ બની હતી. આ બસ રોડ પર ઉભેલા એક ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે તેમાં સવાર મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.