December 5, 2024

યાત્રાધામ સોમનાથમાં ગાડીઓના કાચ તોડી લૂંટ ચલાવતી ગેંગ ઝડપાઈ

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા અને અમરેલી જિલ્લા પોલીસની સહિયારી મહેનતે કાચ તોડી ચોરી કરતી ગેંગને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ ત્રિવેણી નજીક કારના કાચ તોડી અંદાજે 4 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી કરવાની ઘટના બની હતી. તેમજ જૂનાગઢ સક્કરબાગ ઝૂ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી રોકડ, સોનાના દાગીનાની ચોરી કરવાની ઘટના બની હતી. આ ઘટનાઓમાં સંડોવાયેલી અને ઘટનાને અંજામ આપ્યા બાદ નાસી છૂટેલી આણંદની એક જ પરિવારની ગેંગને દામનગરથી રંગેહાથ ઝડપી પાડવામાં આવી છે.

જુનાગઢ અને ગીર સોમનાથમાં એક જ મોડસ ઓપરેન્ડીથી કારના કાચ તોડી ચોરી કરીને પલાયન થઈ ગયેલ ગેંગને પકડવા ગીર સોમનાથ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એ. બી. જાડેજા અને ટીમે ટેકનિકલ સોર્સની મદદથી પગેરું મેળવ્યું અને ચોરી બાદ કારમાં નાસી છૂટેલી ગેંગ અમરેલી જિલ્લા તરફ નીકળી જતા અમરેલી તાલુકા સહિતની ટીમને એલર્ટ કરતા લાઠી પોલીસે પીછો કરતા દામનગર ટાઉન પોલીસે કારમાં નીકળેલી ગેંગને પકડી પાડી હતી.

મોરબીથી જુનાગઢ ઝુ સકરબાગ પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવેલા મોરબીના ગરાસીયા પરિવારની કારના કાચ તોડી સોનાના દાગીના અને રોકડ મળી 2.80 લાખની ચોરી અને ગીર સોમનાથના ત્રિવેણી નજીક કારના કાચ તોડી અંદાજે ચારથી પાંચ તોલા સોનાના દાગીના અને રોકડ ની ચોરી કરી કારમાં નાસી છૂટેલી આણંદના એકજ પરિવારની ગેંગને દામનગર ટાઉન નજીક પીઆઇ આર વાય રાવલ અને દામનગર પોલીસ ટીમે નાકાબંધી કરી ઝડપી પાડી છે.