December 6, 2024

નો ડ્રગ્સ ઇન સુરત સીટી: 4 લાખથી વધુના માદક દ્રવ્યો સાથે વધુ 2ની ધરપકડ

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થનું વેચાણ કરતા તેમજ તેની હેરાફેરી કરતા ઈસમો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ બે ઈસમોને પકડવામાં આવ્યા છે કે જે એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા હતા. આ બંને પાસેથી 43.96 ગ્રામ એમડી ડ્રગ્સ કે જેની કિંમત 4,39,600 રૂપિયા થાય છે તે મુદ્દા માલ સાથે બંનેની ધરપકડ કરી છે. બે આરોપીમાંથી એક આરોપી હત્યાના ગુનામાં જેલમાં સજા કાપી રહ્યો હતો અને જામીન પર છૂટીને બહાર આવ્યા બાદ ફરીથી તેને ડ્રગ્સ વેચવાનું શરૂ કરતા પોલીસે તેની ધરપકડ કરી છે.

સુરત શહેર પોલીસ દ્વારા સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને અભિયાન અંતર્ગત ગેરકાયદેસર રીતે માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયા તેમજ તેમની ગેંગના સિન્ડિકેટ સભ્યોને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અનેક આવા ઈસમોને સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG તેમજ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ બે ઈસમોને ડ્રગ્સના મુદ્દામાલ સાથે પકડવામાં સફળતા મળી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વેડ રોડ વિસ્તારમાં રહેતો શાહેદ અને રાંદેરમાં રહેતો કુણાલ બંને મુંબઈથી એમડી ડ્રગ સુરત લાવી રહ્યા છે. ત્યારે બાતમીના આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કાપોદ્રા ચાર રસ્તા પર વોચ ગોઠવીને શાહેદ ઉર્ફેદ દાનિશ શેખ તેમજ કૃણાલ પટેલને 43.96 ગ્રામ ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા છે. આ ડ્રગની કિંમત 4,39,600 રૂપિયા થાય છે. આ ઉપરાંત તેની પાસેથી મોબાઇલ તેમજ 1870 રૂપિયા રોકડા મળી કુલ 5,31,470 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછ દરમ્યાન આરોપીઓએ જણાવ્યું હતું કે, તે આ એમડી ડ્રગ્સનો જથ્થો મુંબઈના મલાડથી સુરત લાવતા હતા અને સુરતમાં અલગ અલગ લોકોને છૂટક વેચાણ કરતા હતા. અગાઉ તેઓ ચારથી પાંચ વખત એમડી ડ્રગ્સ લાવ્યા હતા અને સુરતમાં અલગ અલગ લોકોને તેનું વેચાણ પણ કર્યું હતું. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે. બંને પકડાયેલા આરોપી સુરતના કુખ્યાત ગુનેગાર છે અને આ બંને હત્ય, મોબાઈલ સ્નેચિંગ તેમજ શરીર સંબંધી ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે અને આરોપીઓ સામે પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ છે.

આરોપી શાહેદ ઉર્ફેદ દાનિશના ગુનાહિત ઇતિહાસની વાત કરવામાં આવે તો તેની સામે લાલગેટ પોલીસ સ્ટેશનમાં બે, ઉમરા પોલીસ સ્ટેશનમાં એક અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયા છે. આ ઉપરાંત આરોપી કૃણાલ પટેલ સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે. તો કૃણાલ પટેલ અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનામાં પકડાયો હતો અને તેને કોર્ટમાંથી આજીવન કેદની સજા થઈ હતી અને તે પાકા કામના કેદી તરીકે લાજપોર જેલમાં સજા કાપી રહ્યો હતો. આરોપી 30-10-2024 થી 14-11-2024 દરમિયાન જેલમાંથી રજા ઉપર છૂટ્યો હતો અને તે જેલમાંથી છૂટ્યા બાદ આ ડ્રગની સપ્લાય તરફ વળ્યો હતો અને પોલીસે ટ્રક સાથે આરોપીની ફરી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.