September 20, 2024

લદ્દાખમાં LAC નજીક 108 કિલો સોનું જપ્ત, ITBPના ઇતિહાસમાં સૌથી મોટી જપ્તી

LAC in Ladakh: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)એ મંગળવારે પૂર્વી લદ્દાખમાં LAC પાસે 108 કિલો સોનાની લગડીઓ મળી છે. તેની કિંમત 84 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. બે દાણચોરો પાસેથી સોના ઉપરાંત કેટલીક ચાઈનીઝ ખાદ્ય સામગ્રી પણ મળી આવી છે. ધરપકડ કરાયેલા દાણચોરોની ઓળખ તેનઝીન તારગી (40) અને ત્સેરિંગ ચંબા (69) તરીકે થઈ છે. બંને ન્યોમાના રહેવાસી છે.

ITBPના પ્રવક્તાએ કહ્યું કે મંગળવારે બપોરે લગભગ 1.30 વાગ્યે, તેની પેટ્રોલિંગ ટીમને સરહદથી માત્ર એક કિલોમીટર દૂર શ્રીરાપાલ વિસ્તારમાં બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવી હતી. તેમણે કહ્યું, ‘ખચ્ચર પર સવાર બે શકમંદોને રોકવા માટે કહેવામાં આવ્યું, પરંતુ તેઓ સરહદ તરફ ભાગવા લાગ્યા. ITBP પેટ્રોલિંગે તેમને પકડી લીધા અને તેમના તંબુઓની તલાશી લીધી, જ્યાંથી 84 કરોડ રૂપિયાની કિંમતના એક કિલો 108 સોનાના બિસ્કિટ મળી આવ્યા.’

પેટ્રોલિંગ ટીમે બંને શકમંદોની અટકાયત કરી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બાબતની જાણ તરત જ વરિષ્ઠ અધિકારીઓને કરવામાં આવી હતી. તંબુમાંથી 108 કિલો સોનાની લગડીઓ ઉપરાંત બે મોબાઈલ ફોન, એક બાયનોક્યુલર, કેટલીક ચાઈનીઝ ખાદ્ય ચીજવસ્તુઓ, એક ટોર્ચ અને અન્ય કેટલાક ગેજેટ્સ મળી આવ્યા હતા. ITBP દ્વારા તેના ઈતિહાસમાં રિકવર કરવામાં આવેલ સોનાનો આ સૌથી મોટો કેશ હતો. જપ્ત કરાયેલું સોનું કસ્ટમ વિભાગને સોંપવામાં આવશે. શરૂઆતમાં દાણચોરોએ ITBP પેટ્રોલિંગને તેઓ ઔષધીય છોડના વેપારી હોવાનો દાવો કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.