June 30, 2024

વંદે ભારતમાં પિરસેલા ભોજનમાં મુસાફરને મૃત વંદો મળ્યો; તસવીર વાયરલ

Vande Bharat: ભોપાલથી આગ્રા જઈ રહેલા વંદે ભારતના પેસેન્જરે ભોજન અંગે ફરિયાદ કરી છે. મુસાફરનો આરોપ છે કે તેને ટ્રેનના ફૂડમાં મૃત વંદો મળ્યો છે. તેણે સોશિયલ મીડિયા પર રેલવેને ફરિયાદ કરી છે. પેસેન્જરે સોશિયલ મીડિયા પર તેના ફૂડની તસવીર શેર કરી છે, જે હવે વાયરલ થઈ ગઈ છે. તસવીરમાં શાકની થાળીમાં મરેલો વંદો નજરે પડી રહ્યો છે.

પેસેન્જરે આ તસવીર શેર કરી અને પોતાની નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, “આજે 18-06-24ના રોજ મારા કાકા અને કાકીને વંદે ભારત દ્વારા મુસાફરી કરતી વખતે IRCTC દ્વારા પીરસવામાં આવતા ભોજનમાં વંદો જોવા મળ્યો હતો. કૃપા કરીને વેચનાર સામે તાત્કાલિક પગલાં લો અને ખાતરી કરો કે આવી ઘટનાઓ ફરીથી ન બને.” આ પોસ્ટ વાઈરલ થયા બાદ ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) એ ફૂડ પ્રોવાઈડર પર દંડ લગાવ્યો છે.”

ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, આ પોસ્ટ પછી ભારતીય ટ્રેનોમાં સ્વચ્છતા અને વ્યવસ્થાપન સામે લોકોની તીવ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ઘણા યુઝર્સે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને સોશિયલ મીડિયા પર ટેગ કરીને સ્પષ્ટતાની માંગ કરી છે.

પેસેન્જર પોસ્ટના જવાબમાં એક યુઝરે લખ્યું, “આ એક ગંભીર સમસ્યા છે કારણ કે ભારતની સૌથી પ્રીમિયમ ટ્રેન વંદે ભારતમાં પણ આ સમસ્યાઓ છે. ગંભીર રીતે નિરાશ.” અન્ય એક યુઝરે ટિપ્પણી કરી, “સરકાર શા માટે જાહેર આરોગ્ય પ્રત્યે ગંભીર નથી.” ત્રીજા યૂઝરે પ્રતિક્રિયા આપતા કહ્યું, “દુઃખ છે કારણ કે તમે જાણો છો કે કોઈ પગલાં લેવામાં આવશે નહીં, તે જ વિક્રેતા દ્વારા સમાન સમસ્યા સાથે ફરીથી તે જ ખોરાક પીરસવામાં આવશે પરંતુ કોઈને તેની પરવા નથી.”