December 9, 2024

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, વાપીમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ

સુરત: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે ત્યારે સુરતમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. ત્યાં જ છેલ્લા 24 કલાકમાં વલસાડના ઉમરગામ, સુરતના કામરેજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં ધોધમાર વરસાદના પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. વેડરોડ પર કેડસમા પાણી ભરાયા છે. અહીં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વાહનો તો પાણી વચ્ચે જ બંધ પડી ગયા છે. જોકે માત્ર 2 ઈંચ જેટલા વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાંખી છે.

સુરતના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદના કારણે ડી.એમ.નગરમાં વરસાદી પાણી ભરાયા છે. અહીં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકા તંત્ર દ્વારા બનાવેલ ગરનાળાને લઇ વરસાદી પાણી ભરાયાની સમસ્યા સ્થાનિક લોકોએ જણીવી હતી અને તંત્ર આ સમસ્યાને વહેલી તકે નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.

આજે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વલસાડ-ધરમપુરને જોડતા સ્ટેટ હાઇવે ઉપર પાણી ભરાયા હતા. હાઇવે 48ને જોડતા મુખ્ય સર્વિસ રોડ પર પણ પાણી ભરાયા હતા. અહીં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દર વર્ષે હાઇવે પર પાણી ભરાતા તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં લેવાતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

વાપીમાં છેલ્લા 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબકી જતા અહીં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી-દમણ રોડ પર પાણી ભરાતા વાહનચાલકો મોટી સમસ્યામાં મૂકાઈ ગયા હતા. જેના કારાણે ઘણી ગાડીઓ રસ્તામાં જ બંધ પડી ગઈ હતી. વાપી રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાયા હતા, ત્યાં જ વાપીમાં દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેના કારણે દુકાનદારો અને સ્થાનિક લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. 2 કલાકમાં પડેલા ધોધમાર વરસાદે વાપી શહેરના અનેક વિસ્તારોને બાનમાં લઈ લીધા હતા. જેના કારણે વાપી નગરપાલિકાની પ્રી મોન્સૂન કામદીરીની પોલ ખુલી ગઈ હતી.