પૂરપાટ ઝડપે આવેલી પીકઅપ રેસ્ટોરન્ટનો કાચ તોડી અંદર ઘૂસી ગઈ, કોઈ જાનહાનિ નહીં
દર્શન ચૌધરી, વડોદરાઃ શહેરના ગેંડા સર્કલ પાસે આવેલા કોમ્પલેક્ષમાં રેસ્ટોરેન્ટનો કાચ તોડીને પીકઅપ ટેમ્પો ઘૂસી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ રેસ્ટોરેન્ટમાં નુકસાન થયું હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઘટનાને લઇને હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી બે લોકોની અટકાયત પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરાના ગેંડા સર્કલ પાસે કે-10 કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલું છે. અહીં ઓફિસની સાથે ખાણી-પીણીની રેસ્ટોરેન્ટ મોટા પ્રમાણમાં જોવા મળે છે. કોમ્પલેક્ષના છેડે લિટલ ભારત રેસ્ટોરેન્ટ આવેલી છે. રેસ્ટોરેન્ટમાં ગત રાત્રે પીકઅપ ટેમ્પો કાચ તોડીને ઘૂસી ગયો હોવાની ઘટનાએ સૌને દોડતા કર્યા છે. મોડી રાત્રે ઘટેલી ઘટનાને પગલે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ રેસ્ટોરેન્ટમાં ભારે નુકશાન પહોંચ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. આ ઘટનામાં ટેમ્પો રેસ્ટોરેન્ટના કાચ તોડીને ગ્રાહકો માટે બનાવવામાં આવેલી બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ગયો હતો. રેસ્ટોરેન્ટ બહાર મૂકેલી એક એક્ટીવા પણ ચગદાઈ હોવાનું જોવા મળ્યું હતું. એક્ટિવા રેસ્ટોરેન્ટ માલિકની હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવ સંદર્ભે સંચાલક કેતનભાઇ જણાવે છે કે, બે ત્રણ દિવસ પહેલાં મેં તેને જાણ કરી હતી કે ગાડી ન ચલાવતા આવડતું હોય તો ન ચલાવીશ, કોઇ દિવસ દુર્ઘટના થશે. જે જગ્યાએથી પીકઅપ ટેમ્પો ઘૂસ્યો છે અમે ત્યાં જ બેસતા હોઇએ છીએ. આજે સદનસીબે બીજી બાજુ બેસતા બચી ગયા છીએ. અમારામાંથી કોઇને કંઈ થઈ ગયું હોત તો જવાબદારદારી કોણ લેત? બંનેમાંથી એક જણાને પાકી ગાડી આવડે છે. ટ્રાન્સપોર્ટની ગાડી છે. સંચાલકના માતા જણાવે છે કે, મારો એકનો એક પુત્ર છે. તેને કંઈ થઈ જાત તો જવાબદાર કોણ! આ બનાવ અંગે ચાલક સતીષ પાંડે જણાવે છે કે, મેં ગાડી ચાલુ કરી હતી, ભુલથી ગીયર પડી જતા હાદસો થયો છે. વડોદરાથી અમે ગાડી અમદાવાદ લઈ જઇએ છીએ.