December 4, 2024

બરોડા ડેરીના ટેમ્પોચાલકો દ્વારા દૂધની ચોરી, ગ્રામજનોએ રેકી કરી ભાંડો ફોડ્યો

દર્શન ચૌધરી, વડોદરાઃ જિલ્લાના દૂધ ઉત્પાદકો પાસેથી દૂધનો જથ્થો લઈને બરોડા ડેરીમાં પહોંચાડતા ટેમ્પો દ્વારા રસ્તામાં દૂધની ચોરી કરવામાં આવતી હોવાની ઘટના સાવલી તાલુકામાં સામે આવી છે. જ્યાં ગ્રામજનોએ જાતે જ રેકી કરીને ટેમ્પોચાલકોને દૂધ ચોરી કરતા ઝડપી પાડીને ડેરીના સત્તાધીશોને જાણ કરી છે. જો કે, આ સમગ્ર મામલે બરોડા ડેરી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? તેની માહિતી મળી નથી.

મળતી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કરચિયા સહિતના આસપાસના ગામોની દૂધ મંડળીઓમાંથી પશુપાલકોએ ભરેલું દૂધ બરોડા ડેરી સુધી પહોંચાડવા માટે તણામન રૂટ પર બરોડા ડેરી દ્વારા નક્કી કરેલો ટેમ્પો દૂધના કેન કલેક્ટ કરતો હતો. આ ટેમ્પોમાં દૂધ બરોડા ડેરી ખાતે પહોંચતું હતું. છેલ્લા ઘણા સમયથી મંડળી દ્વારા મોકલવામાં આવતા દૂધ અને બરોડા ડેરીમાં પહોંચતા દૂધના ફેટમાં તફાવત આવતા મંડળીને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો. જેને લઈને ગ્રામજનોને દૂધની ચોરી કરીને તેમાં પાણીની મિલાવટ થતી હોવાની શંકા ઉભી થઈ હતી.

આ મામલે ગ્રામજનોએ દૂધ લઈને જતા ટેમ્પો પર વોચ ગોઠવવાનું નક્કી કર્યું હતું. જેમાં ટેમ્પોચાલકે દૂધ મંડળીઓ પરથી દૂધ કલેક્ટ કર્યા બાદ અવાવરી જગ્યા પર જઈને કેનમાંથી દૂધ કાઢીને પાણીની ભેળસેળ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી હતી. ગ્રામજનો અને દૂધ મંડળીના સંચાલકોએ ગત રાત્રીના સમયે ટેમ્પોમાંથી દૂધચોરી કરતા ટેમ્પોચાલકોને ઝડપી પાડીને બરોડા ડેરીના સત્તાધીશોને જાણ કરી હતી. આ સમગ્ર મામલે ડેરીને જાણ થતા બરોડા ડેરીને અધિકારીઓની એક ટીમ સ્થળ પર મોકલી હતી. ત્યારબાદ અધિકારીઓ પણ એકાએક પલાયન થઈ જતા ગ્રામજનોએ બરોડા ડેરીના સત્તાધીશો પર પણ આક્ષેપો કર્યા હતા અને સમગ્ર દૂધચોરી મામલે તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.