સગીરા પર સાવકા પિતાનું દુષ્કર્મ, માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવતા ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. એક સાવકા પિતા દ્વારા નજર ખરાબ કરવામાં આવી અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું. આ બાબતે સગીરાએ માતાને જાણ કરી ત્યારે માતાએ આ મામલે પતિ સામે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દીકરી પર જ દુષ્કર્મ કરનારા સાવકા પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા જગદીશનગરમાં રહેતી એક મહિલાએ વરાછા પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, તેના પતિ દ્વારા સગીર દીકરી ઉપર નજર ખરાબ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. તેથી સમગ્ર મામલે પોલીસ દ્વારા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને રામેશ્વર કુશવાહ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જગદીશ નગર ખાતે રહે છે અને સ્ટોન લગાડવાનું કામ કરે છે. મહિલાના લગ્ન અગાઉ એક યુવક સાથે થયા હતા અને પ્રથમ લગ્નમાં તેને સંતાનમાં બે દીકરીઓ હતી અને ત્યારબાદ મહિલાનો પતિ તેને છોડીને ફરાર થયો હતો. ત્યારબાદ મહિલા ભાઈ-ભાભી સાથે સુરતમાં રહેવા લાગી હતી અને સુરત આવ્યા બાદ મહિલાને સાથે કામ કરતા રામેશ્વર કુશવાહ સાથે પરિચય થયો હતો અને ત્યારબાદ દસ વર્ષ પહેલાં બંનેએ લગ્ન કરી લીધા હતા. હાલ બીજા લગ્નજીવનમાં મહિલાને સંતાનમાં બે દીકરા છે એટલે અગાઉના પતિથી થયેલ બંને દીકરી, બે દીકરા અને પતિ રામેશ્વર કુશવાહ સાથે મહિલા સુરતમાં રહેતી હતી.
મહિલાનો પતિ રામેશ્વર કુશવાહા વરાછાના ઘનશ્યામ નગરમાં એમબ્રોરોડરીના ખાતામાં મજૂરી કામ કરતો હતો. આ રામેશ્વર કુશવાહે 13 વર્ષની દીકરી સાથે રાત્રિના સમયે છેડછાડ કરી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ આચાર્યુ હતું. જ્યારે સગીરાએ આ વાત માતાને જણાવી ત્યારે માતાના પગતળેથી જમીન ખસી ગઈ અને જાણવા મળ્યું કે, પતિએ તેની સાવકી દીકરી સાથે અગાઉ ચારથી પાંચવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું છે. તેથી આ સમગ્ર ઘટનાને લઈને વરાછા પોલીસ દ્વારા રામેશ્વર કુશવાહ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.