March 19, 2025

વઢિયાર પંથકમાં મોટા પ્રમાણમાં દેશી ચણાનું ઉત્પાદન, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા નિરાશ

પાટણ: પાટણ જિલ્લાના વઢિયાર પંથકમાં હારીજ, સમી, શંખેશ્વર તાલુકામાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મોટા ખર્ચાઓ અને આર્થિક રોકાણ કરી ચણાનું વાવેતર કર્યું ખેડ, ખાતર બિયારણ અને કાળી મજૂરી કરી ચણાનું ઉત્પાદન કર્યું પણ જ્યારે માર્કેટ યાર્ડમાં આ ચણા ખેડૂતો વેચાણ માટે લાવ્યા ત્યારે તેમને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે.

પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે થયેલ સારા વરસાદને કારણે ગત વર્ષની સરખામણીએ 17,308 હેક્ટરમાં ચણાનું વાવેતર વધુ થવા પામ્યું છે. ચાલુ વર્ષે સમગ્ર જિલ્લામાં 64,154 હેક્ટરમાં ચણા નું વાવેતર થયું હતું. પાટણ જિલ્લાના હારીજ, સમી, શંખેશ્વર પંથકની જમીન ચણાના વાવેતર માટે ખૂબ જ અનુકૂળ છે. જેને લઇ ખેડૂતોએ મોટા પ્રમાણમાં ખેડ, ખાતર અને મોંઘા ભાવનું બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરી ચણાના પાકનું વાવેતર કર્યું અને કાળી મજૂરી બાદ પાક તૈયાર થતા તે વેચાણ માટે ખેડૂતોએ સમી માર્કેટ યાર્ડમાં ચણાના ઢગ ખડકી દીધા. છેલ્લા પંદર દિવસથી ચણાની આવક માર્કેટમાં શરુ થવા પામી છે.

ત્યારે જાહેર હરાજીમાં ચણાના ભાવ રૂપિયા 1050નો રહેવા પામ્યો છે, જે ખેડૂતોને પોષાય તેમ નથી. સરકારના ટેકાના ભાવ રૂપિયા 1130નો રહેવા પામ્યો છે. ટેકાના ભાવે ચણાની ખરીદીમાં મોડું થાય તેમ હોવાથી હાલમાં ખેડૂતોને મજૂરી સહિતની રકમ ચૂકવવાની હોવાથી નીચા ભાવે પણ ખેડૂતોને ચણા વેચવાની ફરજ પડી રહી છે. ગત વર્ષે ચણાના ભાવ રૂપિયા 1200થી 1250ના રહેવા પામ્યા હતા. જેની સામે ચાલુ વર્ષે 1050ના ભાવ નીચા રહેવા પામ્યા છે. જેથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

વઢીયાર પંથકમાં મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર થાય છે. ચાલુ વર્ષે પણ ગત વર્ષની સરખામણીમાં વધુ વાવેતર થયા બાદ સમી માર્કેટ યાર્ડમાં ચણાની આવક થઈ રહી છે. માર્કેટ યાર્ડમાં રોજ ચણાની 1200 બોરીની આવક થઈ રહી છે. ચણાના ઉત્પાદનમાં વધારો થયો છે પણ તેની સામે ભાવમાં વધારો થયો નથી. ગત વર્ષની સરખામણી કરતા ચાલુ વર્ષે 25 રૂપિયા જેટલો ઓછો ભાવ ખેડૂતોને રહ્યો છે.

સમી માર્કેટ યાર્ડમાં હાલમાં મોટાભાગે ખેડૂતો ચણાનું વેચાણ કરવા માટે આવી રહ્યા છે, પરંતુ ખેડૂતોની મહેનત અને ખેતીમાં થતા ખર્ચાઓ સામે ખેડૂતોને ચણામાં પોષણક્ષમ ભાવ મળતા નથી જેથી ખેડૂતો નિરાશ બન્યા છે.