કેરીના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવના, ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

જીગર નાયક, નવસારી: ગ્લોબલ વોર્મિંગ એ આજના જમાના માટે એક યક્ષ પ્રશ્ન બની ગયો છે, વાતાવરણમાં આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલમાં થઇ રહેલા વાતાવરણીય ફેરફારમાં નાજુક ગણાતા ફળોના રાજા કેરી પર થઇ છે અને ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાની સંભાવનાને લઈને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

હજી તો ઉનાળાની શરૂઆત થઈ નથી એ પહેલા નવસારી જિલ્લામાં વહેલી સવારે તાપમાન 25 ડિગ્રી જેટલું રહે છે રહે છે અને બપોર બાદ ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જાય છે. જેને લઇને કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ કેરીની સીઝન નજીક આવી રહી છે અને આંબા પર મોર પણ આવી ગયા છે, પરંતુ સાંજે ઠંડી અને બપોરે પડી રહેલી અતિશય ગરમીના કારણે આંબા પર આવેલા મોર કાળા પડી જતા ખેડૂતોમાં કેરીનો પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે.

નવસારી જિલ્લામાં સવારે ભેજવાળું વાતાવરણ રહે છે જે કેરીના પાકને અનુકૂળ આવતું નથી. છેલ્લા પાંચ વર્ષમાં આજ રીતે વાતાવરણના આવતા અનિશ્ચિત ફેરફારોના કારણે ખેડૂતો કેરીનો પાક લેવા તૈયાર થતા નથી અને અન્ય પાકો તરફ વળી રહ્યા છે. આ વખતે સીઝનની શરૂઆતમાં તમામ આંબા ઉપર સારા મોર આવ્યા હતા અને પાક સારો થવાની આશા ખેડૂતો સેવી રહ્યા હતા. એવામાં ફેબ્રુઆરી માસમાં જ ગરમીનો પારો 35 ડિગ્રીને વટાવી ચૂક્યો છે. જેના કારણે અમુક મોર ખરી પડ્યા છે અને અમુક કાળા પડી ગયા છે. આવનારા સમયમાં જો આ જ રીતે ગરમી વધશે તો વધુ પડતું નુકસાન થવાની ચિંતા ખેડૂતો સેવી રહ્યા છે અને સીઝન ફેલ થવાની પણ ભીતિ દેખાઈ રહી છે.

છેલ્લા 10 વર્ષોથી વાતાવરણની માર સહન કરતા કેરીના પાકમાં આ વર્ષે સારો પાક થવાની આશા, ફરી બદલાતા વાતાવરણે નિરાશામાં ફેરવી છે. ત્યારે ગરમીનો પારો વધુ ઉંચે ન જાય અને વાતાવરણ સ્થિર રહે એવી પ્રાર્થના ખેડૂતો કુદરતને કરી રહ્યા છે, જેથી પાછલા વર્ષોની સરખામણીમાં કેરી ગ્રાહકો અને ખેડૂતો માટે મીઠી રહે.