વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ ગુજરાતના આ શહેરમાં બનશે
નાણામંત્રી કનુ દેસાઈએ ત્રીજા નાણાંકીય બજેટમાં સાબરમતી રિવરફ્રન્ટની લંબાઈ બમણી કરવાની જાહેરાત કરી છે. જાહેરાત મુજબ, અમદાવાદથી ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. ગુજરાત સરકારે PM નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફ્ટ સિટીને સપનાનું શહેર બનાવવાની જાહેરાત કરી છે. નાણામંત્રીએ બજેટ 2024-25 માં જાહેરાત કરી હતી કે, ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. આ માટે તેમણે બજેટમાં 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટનું નિર્માણ કર્યું હતું, જે ગુજરાત મોડેલનું પ્રતીક બની ગયું હતું અને સમગ્ર દેશમાં તેની નોંધ લેવાઈ હતી. ગિફ્ટ સિટીમાં વૈશ્વિક વાતાવરણ પૂરું પાડવા માટે સરકારે ગત વર્ષના અંતમાં નિયમો સાથે દારૂની છૂટછાટ પણ આપી હતી.વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ હશે
સરકારે બજેટમાં વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ વિકસાવવાની જાહેરાત કરી છે. આ અંતર્ગત હાલના રિવરફ્રન્ટની લંબાઈ વધારીને ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. ગિફ્ટ સિટીના ફેઝ-3માં પાંચ કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. ત્યાર બાદ અમદાવાદના ઈન્દિરા બ્રિજથી ગાંધીનગર સુધી ફેઝ-4 અને ફેઝ-5માં રિવરફ્રન્ટ બનાવવામાં આવશે. આ રિવરફ્રન્ટના નિર્માણ બાદ વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ ગુજરાતના નામે નોંધાશે. રિવરફ્રન્ટની કુલ લંબાઈ 38.2 કિલોમીટર હશે. આ રિવરફ્રન્ટના નિર્માણ બાદ અમદાવાદ અને ગાંધીનગરને વધુ સુવિધાવાળો એક નવો ઝડપી માર્ગ મળશે. વધુમાં ગિફ્ટ સિટીમાં લંડન આઇની તર્જ પર ગિફ્ટ સિટી આઇ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી આઇ લંડન આઇને પણ પાછળ છોડી દેશે. લંડન આઇની કુલ ઊંચાઈ 135 મીટર એટલે કે 443 ફૂટ છે. જ્યારે ગિફ્ટ સિટી આઇની ઊંચાઈ 158 મીટર હશે, જે લંડન આઈ કરતાં 23 મીટર વધુ હશે.
આ પણ વાંચો : ગુજરાતની અર્થવ્યવસ્થા વર્ષ 2047 પહેલા 3.5 ટ્રિલિયન ડોલરની હશે
ગિફ્ટ સિટી વિશ્વમાં સપનાના શહેર તરીકે ઓળખાશે
નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, 4.5 કિલોમીટર લાંબો રિવરફ્રન્ટ સુવિધાઓથી સજ્જ હશે. જેમાં મનોરંજન, શૈક્ષણિક સંસ્થાઓ, મેટ્રો કનેક્ટિવિટી અને સેન્ટ્રલ પાર્ક પણ હશે. વધુમાં તેમણે કહ્યું કે, આ સાથે ગિફ્ટ સિટીમાં વોક ટુ વર્ક, લાઈવ-વર્ક-પ્લે કોમ્યુનિટી વિકસાવવામાં આવશે. જે બાદ, ગિફ્ટ સિટી વિશ્વમાં સપનાના શહેર તરીકે ઓળખાશે. નાણામંત્રીએ ગિફ્ટ સિટીમાં ‘ફિન-ટેક હબ’ સ્થાપવાની પણ જાહેરાત કરી હતી. જે માટે 52 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.