November 9, 2024

ગુજરાતની અર્થવ્યવસ્થા વર્ષ 2047 પહેલા 3.5 ટ્રિલિયન ડોલરની હશે

GUJ - NEWSCAPITAL

ગુજરાતના નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં રાજ્યનું વર્ષ 2047નું વિઝન રાખવામાં આવ્યું છે. બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, આગામી 25 વર્ષમાં રાજ્યના લોકોની માથાદીઠ આવકને વિકસિત દેશોના સ્તરે લાવવાની યોજના છે. વર્ષ 2000-01માં રાજ્યના લોકોની માથાદીઠ આવક રૂ. 18,392થી વધીને વર્ષ 2022-23માં રૂ. 2,73,558 થઈ ગઈ છે. માથાદીઠ આવકના સંદર્ભમાં, ગુજરાત રાષ્ટ્રીય સરેરાશ કરતાં 50 ટકા વધુ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, હાલમાં રાષ્ટ્રીય ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ગુજરાત રાજ્યનો હિસ્સો 8.20 ટકા છે, જે વર્ષ 2000-01માં 5.1 ટકા હતો. હવે વર્ષ 2047 સુધીમાં તેને વધારીને 10 ટકા કરવાનો લક્ષ્યાંક છે. ત્યારે ગુજરાતનું અર્થતંત્ર હાલના $0.27 ટ્રિલિયનથી વધીને $3.5 ટ્રિલિયન થશે.

ગુજરાત નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ 

વધુમાં બજેટમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા એક દાયકા દરમિયાન જીએસડીપીના 15 ટકાની મર્યાદામાં લોન લેનારા ત્રણ મોટા રાજ્યોમાં ગુજરાત સૌથી ઓછું ઉધાર લે છે. દેશમાં 21 રાજ્યો એવા છે જ્યાં આ આંકડો 27 ટકાથી વધુ છે. આ રીતે ગુજરાતે નાણાકીય શિસ્તનું ઉત્તમ ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

આ પણ વાંચો : ગુજરાત બજેટમાં અનેક પ્રજાલક્ષી જાહેરાતો

GUJ - NEWSCAPITALગુજરાતનું અર્થતંત્ર રૂ. 24 લાખ કરોડ 

ગુજરાતના ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ (FRBM) એક્ટ મુજબ, વિધાનસભાએ રાજ્ય સરકારને GSDP ના 27 ટકા સુધી ઋણ વધારવાની સ્વતંત્રતા આપી છે. આમ છતાં ગુજરાત સરકારે માત્ર 15.17 ટકાનો જ ઉપયોગ કર્યો છે. નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ જે.પી.ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાતનું અર્થતંત્ર 24 લાખ કરોડ રૂપિયાનું છે. રાજ્ય સરકાર લોન બાબતે વધુ સતર્ક છે.