March 19, 2025

રમઝાનમાં અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો, ગાઝા પર ઈઝરાયલની એરસ્ટ્રાઈક, 413 લોકોના મોત

Israeli airstrikes in Gaza: યુદ્ધવિરામ માટે ચાલી રહેલી વાટાઘાટો વચ્ચે ઇઝરાયલે ગાઝા પર એરસ્ટ્રાઈક કરી દીધી છે. ઈઝરાયેલી એરસ્ટ્રાઈકમાં અત્યાર સુધીમાં 413 લોકો માર્યા ગયા છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. અનેક હોસ્પિટલોમાં મૃતદેહોના ઢગલા છે. બધે ચીસો સંભળાઈ રહી છે.

ગાઝામાં ઉત્તરથી દક્ષિણ સુધી, દરેક જગ્યાએથી હુમલાઓના અહેવાલો મળ્યા છે. દક્ષિણ ગાઝામાં દેઇર અલ-બલાહ, ખાન યુનિસ અને રફાહ સહિત ઘણી જગ્યાઓ છે, જ્યાં મોટી સંખ્યામાં મૃતદેહો જોવા મળ્યા છે. ગાઝાની એક હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. મોહમ્મદ ઝાકાઉતે કહ્યું, “આજે ઈઝરાયેલે ગાઝા પટ્ટીના ઘણા વિસ્તારોમાં નરસંહાર કર્યો છે. જેમાં 400થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે સેંકડો લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ તમામને તાત્કાલિક તબીબી સહાયની જરૂર છે. હોસ્પિટલની અંદર અને બહાર લાશોના ઢગલા જોવા મળી રહ્યા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇઝરાયલી હવાઈ હુમલામાં હમાસના ઘણા અગ્રણી નેતાઓ માર્યા ગયા છે. આમાં હમાસ સરકારના વડા મહમૂદ અબુ વત્ફાનું નામ પણ સામેલ છે. તેઓ ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર જનરલ હતા. આ ઉપરાંત, હમાસના રાજકીય બ્યુરોના સભ્યો અબુ ઓબેદા મોહમ્મદ અલ-જમાસી અને ઇસમ અલ-દાલિસના નામ પણ મૃતકોમાં શામેલ છે.

હમાસના આંતરિક સુરક્ષા વડા બહજત અબુ સુલતાન અને ન્યાય મંત્રાલયના ડિરેક્ટર જનરલ અબુ અમ્ર અલ-હત્તા પણ આ હુમલાઓનો ભોગ બન્યા હતા. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલી સેના દ્વારા ગાઝા પર કરવામાં આવેલા આ હુમલાઓમાં 413 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા, જેમાં મોટી સંખ્યામાં બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાક લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે.

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેમણે સેનાને હમાસ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. પીએમ નેતન્યાહુએ આરોપ લગાવ્યો કે હમાસે બંધકોને છોડવાનો ઇનકાર કર્યો હતો. યુદ્ધવિરામના પ્રસ્તાવોને પણ નકારી કાઢવામાં આવ્યા હતા. તે જ સમયે, હમાસે વિપરીત આરોપ લગાવ્યો અને કહ્યું કે ઇઝરાયલે યુદ્ધવિરામ કરારને સંપૂર્ણપણે પલટાવી દીધો છે. ગાઝામાં હજુ પણ બંધક બનાવેલા 59 લોકોનું ભાવિ અનિશ્ચિત છે. યુદ્ધવિરામ 19 જાન્યુઆરીએ શરૂ થયો હતો. યુદ્ધવિરામનો પહેલો તબક્કો પૂર્ણ થઈ ગયો છે.