August 27, 2024

પાકિસ્તાનમાં આતંકી હુમલો; 8 સૈનિકોની મોત, 10 આતંકવાદીઓ ઠાર

Pakistan: પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા વિસ્તારોમાં બે અલગ-અલગ હુમલામાં 10 સૈનિકો સહિત ઓછામાં ઓછા 15 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાએ એમ પણ કહ્યું છે કે સુરક્ષા દળોના ગોળીબારમાં તમામ 13 હુમલાખોરો માર્યા ગયા છે. સેનાની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ જણાવ્યું હતું કે, મંગળવારે આતંકવાદ પ્રભાવિત ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં એક ગ્રામીણ હોસ્પિટલ પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે બે મહિલા આરોગ્ય કર્મચારીઓ, બે બાળકો અને એક સુરક્ષા ગાર્ડ માર્યા ગયા હતા.

ISPRએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ગઈકાલે વહેલી સવારે 10 આતંકવાદીઓના એક જૂથે પ્રાંતના બન્નુ જિલ્લામાં છાવણી વિસ્તારમાં હુમલો કર્યો હતો અને વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોના જવાનોએ આતંકવાદીઓના હુમલાને અસરકારક રીતે નિષ્ફળ બનાવ્યો, જેના કારણે આતંકવાદીઓનું વિસ્ફોટક ભરેલું વાહન કેન્ટોનમેન્ટની દિવાલ સાથે અથડાયું.

આ પણ વાંચો: પેરુમાં 200 મીટર ઉંડી ખીણમાં ખાબકી બસ, 26 લોકોનાં કરુણ મોત

ISPRએ જણાવ્યું હતું કે આત્મઘાતી વિસ્ફોટને કારણે દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો અને આસપાસના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું અને વિસ્ફોટમાં આઠ સૈનિકો માર્યા ગયા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદીઓ સામેની કાર્યવાહીમાં જવાનોએ બહાદુરીપૂર્વક લડત આપી અને તમામ 10 આતંકવાદીઓને ઠાર માર્યા અને સુરક્ષા દળોની સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી.

નિવેદનમાં હુમલા માટે હાફિઝ ગુલ બહાદુર જૂથને જવાબદાર ઠેરવવામાં આવ્યું છે. જો કે આતંકી સંગઠને હજુ સુધી હુમલાની જવાબદારી લીધી નથી. વડા પ્રધાન શેહબાઝ શરીફે હુમલાની નિંદા કરી હતી અને હુમલાને નિષ્ફળ બનાવવા માટે સમયસર કાર્યવાહી કરવા બદલ સુરક્ષા દળોની પ્રશંસા કરી હતી.