October 4, 2024

ટ્રુડો સરકારના આ નિર્ણયથી ભારતીય વિદ્યાર્થીઓનું વધ્યું ટેન્શન, કેનેડામાં 70,000 વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ

Student Protest In Canada: કેનેડામાં છેલ્લા કેટલાંક દિવસોથી જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. વાસ્તવમાં, 70,000થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર કેનેડાથી દેશનિકાલ થવાનું જોખમ તોળાઈ રહ્યું છે. તાજેતરમાં, કેનેડાની સરકારે ફેડરલ ઇમિગ્રેશન નીતિઓમાં ફેરફારો કર્યા છે અને તેના કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ દેશ છોડવો પડી શકે છે.

ફેડરલ ઇમિગ્રેશન નીતિઓમાં કર્યો ફેરફારો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક વિદ્યાર્થીઓની વર્ક પરમિટ આ વર્ષના અંતમાં પૂર્ણ થઈ રહી છે અને કેનેડાની સરકાર તેને લંબાવવાના સમર્થનમાં નથી. દેશનિકાલ થવાના ડરને કારણે વિદ્યાર્થીઓ સમગ્ર કેનેડામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની વર્ક પરમિટ લંબાવવાની માંગ કરી રહ્યા છે. આ સાથે વિદ્યાર્થીઓ કાયમી વસવાટની પણ માંગ કરે છે.

ક્યાં-ક્યાં થઈ રહ્યો છે વિરોધ?
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના જૂથોએ પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડ (PEI), ઓન્ટારિયો, મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયા સહિત વિવિધ પ્રાંતોમાં કેમ્પ લગાવ્યા છે. આ દરમિયાન તેઓ રેલીઓનું પણ આયોજન કરી રહ્યા છે. આ જ ક્રમમાં, પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડના સેંકડો વિદ્યાર્થીઓ ઇમિગ્રેશન નિયમોમાં થયેલા ફેરફારોને પડકારીને લગભગ ત્રણ મહિનાથી વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓએ વ્યક્ત કરી વેદના
દેશનિકાલનો સામનો કરી રહેલા વિદ્યાર્થી મહાકદીપ સિંહે સ્થાનિક કેનેડિયન મીડિયા સાથે વાત કરી હતી. સિંહે કહ્યું, ‘મેં કેનેડા આવવા માટે છ વર્ષનું જોખમ લીધું. મેં અભ્યાસ કર્યો, કામ કર્યું, ટેક્સ ચૂકવ્યો અને CRS સ્કોર મેળવ્યો પણ હવે એવું લાગે છે કે સરકારે મારો ફાયદો ઉઠાવ્યો છે.

આ પણ વાંચો: દેશભરમાં 5 દિવસ માટે પાસપોર્ટ સેવા રહેશે બંધ, આ તારીખથી કામકાજ થઇ જશે બંધ

કેનેડામાં 3,60,000 પરમિટોને મંજૂરી મળી શકે
જણાવી દઈએ કે કેનેડાએ પણ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ પરમિટની અરજીઓ પર મર્યાદા લાદવાનો નિર્ણય લીધો છે અને જે ભારતીય સહિત આંતરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે. ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) અનુસાર, વર્ષ 2024માં લગભગ 3,60,000 પરમિટોને મંજૂરી મળી શકે છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 35% ઓછી છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ પણ સોમવારે 26 ઓગસ્ટના રોજ કહ્યું હતું કે કેનેડામાં અસ્થાયી નોકરી કરનારા વિદેશીઓની સંખ્યામાં ઘટાડો થશે. મહત્વનું છે કે, ટ્રુડો સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડશે કારણ કે કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ હાજર છે.