September 21, 2024

સુરતનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, 30નું રેસ્ક્યૂ; પલસાણામાં આધેડ ડૂબ્યાં

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. ત્યારે ભારે વરસાદને પગલે બલેશ્વર ગામ બેટ ફેરવાયું છે. બલેશ્વર ગામની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે.

તંત્ર દ્વારા હાલ બલેશ્વર ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બારડોલી ફાયર દ્વારા પાણીમાં 30થી 35 લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ફસાયેલા 15થી 17 લોકોને ફાયરની બોટમાં બેસાડીને પ્રથમ રાઉન્ડમાં સ્થળાંતર કરવાની ફરજ પડી છે. બલેશ્વર ગામના લોકોનું ટોળું 32 ગંગા ખાડી કિનારે ભેગું થયું હતું. ત્યારે કિનારે આવેલા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ હાથ ધરીને બચાવી લેવામાં આવ્યા છે.

પલસાણાના ચલથાણ ગામની ખાડીમાં આધેડ ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદમાં ચલથાણની ખાડી ઉભરાઈ ગઈ હતી. ત્યારે ભારે વરસાદ વચ્ચે મોડી રાતે નોકરીથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ચલથાણથી ગોકુલધામ જવાના રોડ પર આ ઘટના બની હતી. આધેડ ડૂબતા પલસાણા ફાયર અને કડોદરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે.