September 22, 2024

6 દિવસ બાદ ફરી સુરતની અંજની ઇન્ડસ્ટ્રી ફરીથી શરૂ, ધમકીભર્યા પોસ્ટર લગાવતા બંધ થઈ હતી

અમિત રુપાપરા, સુરતઃ છેલ્લા છ દિવસથી બંધ રહેલા અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ફરીથી કામકાજ શરૂ થયું છે. અલગ અલગ યુનિટના માલિકો તેમજ ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો દ્વારા માસ્ટરો સાથે બેઠક કરીને તેમને સમજાવવામાં આવ્યા હતા. કેટલાક અસામાજિક તત્વોના કારણે જે ઉત્પાદન કાર્ય બંધ થયું છે તેને લઈ કર્મચારી અને માલિકો બંનેને નુકસાન થઈ રહ્યું છે. આ સમાજ આપ્યા બાદ કર્મચારીઓ કામ કરવા માટે સહમત થયા હતા. તેથી સાતમા દિવસે અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ઉત્પાદન કાર્ય શરૂ થયું છે. તો બીજી તરફ પોલીસ હજી સુધી પોસ્ટર લગાવનારા ઈસમોને પકડી શકી નથી. ત્યારે આ ઇસમોને પોલીસ પકડે તેવી આશા અંજની ઇન્ડસ્ટ્રીયલના ઉદ્યોગકારો પોલીસ પાસે રાખી રહ્યા છે.

સુરત શહેરને શાંતિનું શહેર કહેવામાં આવે છે. સમગ્ર દેશમાંથી લોકો રોજગારી મેળવવા માટે સુરત શહેરમાં આવે છે અને એટલા માટે જ સુરતને મીની ભારત પણ કહેવામાં આવે છે. છેલ્લા છ દિવસથી સુરતના અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને આ ભયનો માહોલ ફેલાવવાનું કારણ એવું હતું કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઉડિયા ભાષામાં ભાવ વધારાના બેનરો લગાવીને તેમજ આડકતરી રીતે કર્મચારીને નુકસાન પહોંચાડવાની ધમકી આપી અંજની ઇન્ડસ્ટ્રીયલના કામકાજને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.

અંજની ઇન્ડસ્ટ્રીયલમાં કાપડ બનાવતા 800 યુનિટ કાર્યરત છે અને પ્રતિદિન 30 લાખ મીટર કાપડનું ઉત્પાદન આ ઇન્ડસ્ટ્રીયલમાં થાય છે. તેનાથી 50,000 જેટલા કર્મચારીને રોજગારી પણ મળે છે. ત્યારે છેલ્લા છ દિવસથી આ ઇન્ડસ્ટ્રીયલ બંધ હોવાના કારણે માત્ર કર્મચારીઓને જ સાડા ત્રણ કરોડ રૂપિયાના પગારનું નુકશાન થયું છે. આ ઉપરાંત યુનિટ માલિકોને થતા નુકશાનનો આંકડો મોટો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા દર વર્ષે એટલે કે છેલ્લા સાત વર્ષથી અંજની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ધમકી ભર્યા પોસ્ટરો લગાવવામાં આવે છે. અગાઉ ગુપ્તાંગ તેમજ કર્મચારીઓના અંગો કાપી નાંખવાની ધમકી પણ આ પોસ્ટરોમાં લખવામાં આવી હતી.

છેલ્લા સાત વર્ષથી અજાણી વ્યક્તિ દ્વારા આ પ્રકારના પોસ્ટરો લગાવવામાં આવતા હોવા છતાં પણ હજુ સુધી એક પણ આરોપીને કે પોસ્ટર લગાવનારને પકડવામાં પોલીસને સફળતા મળી નથી. પોલીસ આરોપીને પકડવાની કામગીરી કરવાના બદલે અંજની ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પેટ્રોલિંગ તેમજ પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે છે.

છેલ્લા છ દિવસથી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ઉત્પાદન કાર્ય બંધ હોવાના કારણે ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો તેમજ યુનિટના માલિકો દ્વારા માસ્ટરો સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કર્મચારીઓ અને માલિકો બંનેને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે અને તેની પાછળ કેટલાક અસામાજિક તત્વો જવાબદાર છે. તેવી સમજણ કર્મચારીઓને આપવામાં આવતા બીજા દિવસથી ઉત્પાદન કાર્ય ફરી શરૂ થયું છે. ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારો આશા વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ દ્વારા પોસ્ટ ર લગાવનારા ઈસમોને પકડવામાં આવે જેથી કરીને છેલ્લા સાત વર્ષથી જે માહોલ ભયનો અંજની ઇન્ડસ્ટ્રીયલમાં ઊભો થાય છે તે આગામી વર્ષોમાં ન થાય.