કાળઝાળ ગરમીમાં 9 લોકસભા બેઠક-3 વિધાનસભાની બેઠક પર PM મોદીનો ઝંઝાવાતી પ્રચાર
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર માટે બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેમના પ્રચારનો આજે બીજો દિવસ છે. જેમાં તેઓ કાળઝાળ ગરમી વચ્ચે ચાર જનસભાને સંબોધન કરવાના છે. જેમાં 9 લોકસભા અને 3 વિધાનસભાની બેઠકને આવરી લેવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 10 કલાકે આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં સભાને સંબોધશે. વિદ્યાનગરના શાસ્ત્રી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાખોની જનમેદની સંબોધન કરવાના છે. ખેડાના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણ અને આણંદના ભાજપના ઉમેદવાર મિતેષ પટેલના સમર્થનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જનસભાને સંબોધવાના છે. તો બીજી તરફ, ખંભાતની વિધાનસભા સીટને પણ તેમાં આવરી લેવામાં આવી છે. ખંભાતના ભાજપના ઉમેદવારના સમર્થનમાં પણ જનમેદનીને સંબોધશે.
ત્યારબાદ બપોરે 12 કલાકે સુરેન્દ્રનગર જિલ્લામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તેઓ ત્રિમંદિરના મેદાનમાં વિશાળ જનમેદનીને સંબોધન કરશે. ત્યાં સુરેન્દ્રનગર ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરા, ભાવનગરના ઉમેદવાર નિમુબેન બાંભણિયા અને રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સભાને સંબોધન કરવાના છે.
ત્યારબાદ બપોરે 2.15 કલાકે જૂનાગઢ જિલ્લામાં જનસભાને સંબોધન કરશે. ત્યાં કૃષિ વિદ્યાલયમાં સભાને સંબોધન કરશે. માણાવદરની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અને જૂનાગઢ ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા, પોરબંદરના ઉમેદવાર મનસુખ માંડવિયા અને અમરેલીના ઉમેદવાર ભરત સુતરિયાના સમર્થનમાં જનમેદનીને સંબોધન કરશે.
ત્યારબાદ 4.15 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર પહોંચશે અને ત્યાં જનમેદનીને સંબોધન કરશે. જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમના સમર્થનમાં જનમેદનીને સંબોધન કરવાના છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 કલાકે જામનગર એરપોર્ટથી કોલકાતા માટે રવાના થશે.