August 27, 2024

India Post Scam: કેવી રીતે કામ કરે છે ઈન્ડિયા પોસ્ટ કૌભાંડ, આ ટિપ્સથી રહો સુરક્ષિત

India Post Scam: ઇન્ટરનેટની દુનિયામાં લોકો ઘરની નાની-મોટી વસ્તુઓ માટે પણ ઓનલાઈન ઓર્ડર આપે છે. કરિયાણું હોય કે કપડાં કે જૂતા-ચપ્પલ… ઓનલાઈન જોયું, ગમ્યું અને તાત્કાલિક ઓર્ડર આપી દીધો… એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્વિગી જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મના પોતાના ડિલિવરી પાર્ટનર્સ છે. પરંતુ કેટલાક પ્લેટફોર્મ હજુ પણ તેમના ઓનલાઈન ઓર્ડર પૂરા કરવા માટે ઈન્ડિયા પોસ્ટ, ડિલિવરી, ડીટીડીસી અને બ્લુડાર્ટની કુરિયર સેવાઓ પર નિર્ભર છે.

ગ્રાહકો એક દિવસમાં ઘણા ઓર્ડર આપે છે, તેથી દરેક ઓર્ડરને ટ્રેક કરવો મુશ્કેલ બની જાય છે. તમારી આ આદતનો લાભ લઈને છેતરપિંડી કરવાની એક નવી પદ્ધતિ શરૂ થઈ છે, ધારો કે તમે અલગ-અલગ ડિલિવરી તારીખોવાળી ઈ-કોમર્સ સાઇટ પરથી ઘણી વસ્તુઓનો ઓર્ડર આપ્યો છે. તમે કોઈ કામમાં વ્યસ્ત છો, તે દરમિયાન તમને તમારા ઑર્ડરના અધૂરા સરનામાં અંગે ઈન્ડિયા પોસ્ટ તરફથી કૉલ આવે છે અને ડિલિવરી કેન્સલ ન થાય તે માટે તમે ઉતાવળમાં તેમની વાત સાંભળો છો અને તરત જ તે લિંક પર ક્લિક કરો છો. જ્યારે તમે તે લિંક પર ક્લિક કરો છો ત્યારે તમારો તમામ ડેટા હેક થઈ જશે અને થોડીવારમાં તમારું બેંક ખાતું પણ ખાલી થઈ જશે.

ઈન્ડિયા પોસ્ટ ડિલિવરી કૌભાંડ એ લોકો માટે રચાયેલ છે જેઓ દરરોજ ઑનલાઇન ડિલિવરી કરે છે. મોટાભાગે એપલ યુઝર્સને આવા મેસેજ મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર લોકોએ પોતાના અનુભવો પણ શેર કર્યા છે. એક યુઝરે લખ્યું- મને પણ આવો મેસેજ મળ્યો હતો, લિંક પર ક્લિક કર્યા બાદ મેં એડ્રેસ પણ નાખ્યું હતું, પરંતુ પેમેન્ટ સમયે મેં થોડું વિચાર્યું અને બચી ગયો. જોકે ઘણા યુઝર્સ આ છેતરપિંડીનો શિકાર બની રહ્યા છે. તમને એક SMS મોકલવામાં આવે છે જે લગભગ ઈન્ડિયા પોસ્ટ તરફથી આવ્યો બોય તેવું જ લાગે છે, જેમાં તમને જણાવવામાં આવે છે કે તમારું પાર્સલ તેમના વેરહાઉસ પર આવી ગયું છે, પરંતુ સરનામું અધૂરું હોવાને કારણે ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે. 12 કલાકની અંદર તમારું એડ્રેસ અપડેટ કરવા માટે મેસેજમાં એક લિંક પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે મોટો ફેરબદલ, આટલા ખેલાડીને મળશે આરામ!

ઘણા કિસ્સાઓમાં SMS પછી કોઈ વ્યક્તિ પોતાને ઈન્ડિયા પોસ્ટનો પ્રતિનિધિ કહેતો ફોન કરે છે. કૉલર પણ એ જ વાત કહે છે કે અધૂરા સરનામાને કારણે તમારું પાર્સલ ડિલિવરી કરી શકાતું નથી અને SMSમાં આપેલી લિંકનો ઉપયોગ કરીને તમારું સરનામું અપડેટ કરવાનું કહે છે. કોલર તમને કહેશે કે જો તમે તરત જ તમારું સરનામું અપડેટ નહીં કરો તો તમારા બધા ઓર્ડર રદ કરવામાં આવશે. એકવાર તમે લિંક પર ક્લિક કરો અને તમારું સરનામું અપડેટ કરો પછી એક નવું પેજ ખુલશે જે તમને ફરીથી ડિલિવરી માટે રૂ. 80 અથવા રૂ. 100 ટોકન ચુકવણી માટે પૂછશે. પેજ ફક્ત ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ સ્વીકારે છે, ત્યાં UPI અથવા કેશ ઓન ડિલિવરી માટે કોઈ વિકલ્પ હોતો નથી.

તમારા કાર્ડની વિગતો દાખલ કરીને તમે અજાણપણે તમારા કાર્ડ નંબર અને CVV જેવી સંવેદનશીલ માહિતી સ્કેમર્સને આપી દો છો. ઈન્ડિયા પોસ્ટે લોકોને ચાલી રહેલી છેતરપિંડી વિશે પણ ચેતવણી આપી છે, “ભારતીય પોસ્ટ કૂરિયર પહોંચાડવા માટે અધૂરા સરનામાં વિશે પૂછતા આવા SMS મોકલતું નથી. છેતરપિંડીવાળી લિંક્સ પર ક્લિક કરશો નહીં.” જો તમને આવો કોઈ કોલ મેસેજ અથવા ઈ-મેલ મળે તો પહેલા માહિતીને યોગ્ય રીતે ચકાસી લો. કૃપા કરીને વેબસાઇટ ડોમેનની જોડણી અથવા ઈ-મેલ અથવા સંદેશ મોકલનાર વ્યક્તિની લિંક તપાસો.

જો તમને આવો કોઈ કોલ આવી રહ્યો હોય તો તમારે સંબંધિત વેબસાઈટ પર જઈને તપાસ કરવી જોઈએ કે સરનામાના કારણે તમારી ડિલિવરીમાં ખરેખર કોઈ વિલંબ થયો છે કે કેમ. ઉતાવળમાં કોઈ નિર્ણય લેવાનું ટાળો. ફોન પર વાત કરતી વખતે ક્યારેય કોઈ લિંક કે મેસેજ ખોલશો નહીં. આવી લિંક્સની તાત્કાલિક જાણ કરો.