November 3, 2024

રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડાયા, 1696 લોકોનું રેસ્ક્યૂ કરાયું

ગાંધીનગર: રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતિ સામે નાગરિકોની સલામતી માટે રાજ્યનું વહીવટી તંત્ર આગોતરી તૈયારી સાથે સુસજ્જ છે. રાજ્યાં ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાહત-બચાવ માટે ટીમો ખડેપગે તૈનાત છે. મુખ્યમંત્રી ઉપરાંત મુખ્ય સચિવ, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ સહિત રાહત કમિશનર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતેથી સમગ્ર રાજ્યની પરિસ્થતિનો સતત તાગ મેળવી જરૂરી સહાય અને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

આ ઉપરાંત વરસાદથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીઓ તેમજ પ્રભારી સચિવઓ પણ જિલ્લા મથકે બેઠક કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓનું સૂક્ષ્મ નિરીક્ષણ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ભારત સરકાર દ્વારા પણ રાહત-બચાવ કામગીરી માટે આર્મીની 6 કોલમ ક્રમશ: દેવભૂમિ દ્વારકા, આણંદ, વડોદરા, ખેડા, મોરબી અને રાજકોટ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત NDRFની 14 પ્લાટૂન અને SDRFની 22 પ્લાટૂન પણ આપત્તિ વ્યવસ્થાપનના કામમાં જોડાઈ છે. સાથે જ કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો પણ રાહત બચાવના કામમાં જોડાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 23,871 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમજ 1696 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે.

MGVCLના 1700થી વધુ વીજ કર્મીઓ વીજ પુરવઠો પૂર્વવત કરવા કાર્યરત
અનરાધાર વરસાદથી પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના વિવિધ સબ સ્ટેશનમાં પાણી ભરાવાના અને વીજ પોલ પડી જવાના કારણે કુલ 569 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. આ તમામ ગામોમાં તાત્કાલિક ધોરણે વીજપુરવઠો પુનઃ સ્થાપિત કરવા MGVCLની 536 ટીમોના 1700થી વધુ વીજ કર્મીઓ યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છે.

બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવામાં આવે તો નીચાણવાળા ભાગોમાં રહેતા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા બરવાળા તાલુકાના ખાંબડા ગામના 198 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

મોરબી જિલ્લામાં ભારે વરસાદના કારણે માળિયા તાલુકાના મોટા દહીંસરા 132 કે.વી. સબ સ્ટેશનમાં ફસાયેલા 6 કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

દાહોદ જિલ્લામાં ભારે વરસાદના પરિણામે ફતેપુરા તાલુકાના હિંડોલીયા ખાતે એક જર્જરિત મકાન મકાન ધરાશાયી થતા અબોલ પશુ ઇજાગ્રસ્ત થયા હતા. પશુપાલન વિભાગની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ પર જઈને સારવાર કરી ઘાયલ પશુઓને સલામત સ્થળે ખસેડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ અને પવનથી તાલાલા-જામવાળા રોડ પર વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો હતો. માર્ગ અને મકાન વિભાગની ટીમે ધરાશાયી વૃક્ષોને દૂર કરીને વાહન વ્યવહાર ફરી પૂર્વવત કર્યો છે.

ભારે વરસાદથી જામનગર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા, ફાયર વિભાગની 10 ટીમ ઉપરાંત એન.ડી.આર.એફના જવાનોએ 70 જેટલા નાગરિકોને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડ્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી 30 જેટલી સગર્ભા મહિલાઓને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી છે.

પંચમહાલ જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે 4,000 જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત અગમચેતીના ભાગરૂપે ૨૦ જેટલા રસ્તાઓના કોઝ-વે પણ બંધ કરાયા છે.

મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સાવચેતીના ભાગરૂપે સામખીયાળીથી માળીયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાંથી 10 ખાસ ટીમો દ્વારા નાગરીકોનું રહેવા, જમવા જેવી સુવિધા ધરાવતા ૩૦ સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા એરફોર્સની મદદથી વાડી વિસ્તારમાં ફસાયેલા 11 નાગરિકોનું રેસ્ક્યુ કરાયું હતું. લાલપુર તાલુકાના નવાગામમાં વાડી વિસ્તારમાં નાના બાળકો સહિત 11 લોકો ફસાયા હતા, જેની ગંભીરતા સમજી એરફોર્સના હેલિકોપ્ટરથી તેઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા.