પાટણમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી, નોરતામાં આવેલા નરભેરામ આશ્રમે ભક્તો ઉમટ્યાં
ભાવેશ ભોજક, પાટણઃ ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે પાટણ શહેર સહિત વિવિધ ગુરુગાદીયો ઉપર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું-ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. સેવકોએ વિવિધ ગુરુગાદીઓ ઉપર જઈ ગુરુપૂજન કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ શહેરના પંચમુખી હનુમાન ગુરુગાદી ઉપર દર્શન માટે સેવકોની લાંબી કતારો સર્જાઇ હતી. ત્યારે પાટણ તાલુકાના નોરતા ગામે આવેલા સંત શ્રી નરભેરામ મહારાજની ગાદી આજે પણ પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર ગાદી ઉપર દોલતરામ મહારાજ પણ નરભેરામ મહારાજના પંથે ચાલીને સમાજ હિતના કર્યો કરી રહ્યા છે.
સંત દોલતરામ મહારાજે શિક્ષણની જ્યોત જગાવી વ્યસનમુક્તિ, કુરિવાજો અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશો આપ્યો છે. ત્યારે ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે વહેલી સવારથી જ નોરતા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા. દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની લાંબી કતારો લાગી હતી.
પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ સહિતના ભાજપના આગેવાનો તેમજ પાટણ પંથકના લોકોએ દોલતરામ મહારાજના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે દોલતરામ બાપુએ અંધશ્રદ્ધાથી દૂર રહેવા તેમજ જગતનું કલ્યાણ કરવા માટે પર્યાવરણનું જતન કરવાની સાથે સાથે વૃક્ષારોપણ કરવા અનુરોધ કર્યો હતો.