March 16, 2025

ઉત્તર મેસેડોનિયાના નાઇટ ક્લબમાં ભીષણ આગ, 51નાં મોત

North Macedonia: દક્ષિણ યુરોપિયન દેશ ઉત્તર મેસેડોનિયામાં એક નાઈટક્લબમાં આગ ફાટી નીકળતાં દોડધામ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં 51 લોકો બળીને ખાખ થઈ ગયા હતા જ્યારે 100 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દેશના ગૃહ મંત્રાલયે આ માહિતી આપી. અહેવાલો અનુસાર, રાજધાની સ્કોપજેથી લગભગ 100 કિમી પૂર્વમાં સ્થિત કોકાની શહેરમાં પલ્સ નાઇટક્લબમાં આગ લાગી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે નાઈટ ક્લબમાં મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ફટાકડા ફોડવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આગ કેટલી ગંભીર હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના વાદળો ચારેબાજુ ફેલાતા દેખાય છે. વીડિયોમાં ઇમારતમાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા. અકસ્માત સમયે ક્લબમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. આ ઘટનાથી ક્લબમાં બૂમાબૂમ થઈ ગઈ. લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં દોડવા લાગ્યા.

લોકોએ ક્લબમાં ફટાકડા ફોડ્યા
મેસેડોનિયાના ગૃહમંત્રી પંચે તોશકોવસ્કીએ જણાવ્યું હતું કે રવિવારે સવારે નાઈટક્લબ પલ્સ ખાતે પોપ ગ્રુપ કોન્સર્ટ દરમિયાન આ ઘટના બની હતી. લોકોએ ક્લબમાં ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ક્લબની છતમાં આગ લાગી ગઈ હતી. મંત્રીએ કહ્યું કે પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંગીત કાર્યક્રમ દરમિયાન ક્લબમાં એક હજારથી વધુ લોકો હાજર હતા. મંત્રીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને કોકાનીની સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં કેટલાક લોકોની હાલત ગંભીર છે.

ઉત્તર મેસેડોનિયાના વડા પ્રધાને ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું
એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સંગીત જૂથની એક જોડી સ્ટેજ પર પરફોર્મ કરી રહી હતી. આ દરમિયાન કેટલાક યુવાનોએ ફટાકડા ફોડ્યા. જેના તણખાથી છતમાં આગ લાગી. ઘટનાની માહિતી મળતા જ સુરક્ષા દળો અને ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા અને ઘણા કલાકોની મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો. મેસેડોનિયન અધિકારીઓ હાલમાં આગના કારણની તપાસ કરી રહ્યા છે. ઉત્તર મેસેડોનિયાના વડા પ્રધાન હ્રિસ્તિજાન મિકોસ્કીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે.