ઈરફાન પઠાણ પર ગંભીર આરોપ! શું આ કારણથી IPL 2025ની કોમેન્ટ્રી પેનલમાંથી બતાવ્યો બહારનો રસ્તો?

IPL 2025: ક્રિકેટમાં ખેલાડીઓની સાથે કોમેન્ટેટર્સ પણ તેમની કોમેન્ટ્રી દ્વારા મેચનો ઉત્સાહ વધારે છે. IPL 2025 માટે એક મોટી કોમેન્ટ્રી પેનલની પણ જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ વખતે ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણ કોમેન્ટ્રી પેનલનો ભાગ નથી. છેલ્લા ઘણા વર્ષોથી તેમને દરેક મોટી ક્રિકેટ ઇવેન્ટમાં કોમેન્ટેટર તરીકે જોવામાં આવે છે. પરંતુ આ વખતે યાદીમાં તેમનું નામ ન જોઈને બધાને આશ્ચર્ય થયું છે. બધાના મનમાં એક જ પ્રશ્ન છે કે આ વખતે આઈપીએલમાં ઈરફાન પઠાણ કોમેન્ટ્રી કેમ નહીં કરે? આ અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.
ઇરફાન પઠાણ કોમેન્ટ્રી પેનલનો ભાગ કેમ નથી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક ભારતીય ખેલાડીઓ વિરુદ્ધ બોલવાના કારણે ઇરફાન પઠાણને કોમેન્ટ્રી પેનલમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કેટલાક ખેલાડીઓએ પઠાણની કોમેન્ટ્રી અંગે ફરિયાદ કરી હતી. આ ખેલાડીઓએ આરોપ લગાવ્યો હતો કે ઇરફાન તેમના વિશે વ્યક્તિગત ટિપ્પણી કરી રહ્યો હતો. એવું માનવામાં આવે છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન ઇરફાન પઠાણે કેટલાક ખેલાડીઓ વિશે કોમેન્ટ કરી હતી તેના કારણે આવું બન્યું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેમની કોમેન્ટ્રી પછી, એક ખેલાડીએ તેમને ફોન પર બ્લોક કરી દીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન સર્જાઈ દુર્ઘટના, 2 લોકોને સામાન્ય ઈજા
ઇરફાન પઠાણ કેટલાક ખેલાડીઓ વિરુદ્ધ વ્યક્તિગત એજન્ડા સાથે બોલી રહ્યો હતો, જે સિસ્ટમને બિલકુલ ગમ્યું નહીં. આ ઉપરાંત, તેમનું વલણ પણ એક મોટું કારણ માનવામાં આવે છે. આ કારણે BCCI તેમનાથી નારાજ છે. તમને જણાવી દઈએ કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ ખેલાડીઓની ફરિયાદો બાદ સંજય માંજરેકરને કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તે થોડા વર્ષો સુધી કોમેન્ટ્રી પેનલનો ભાગ બની શક્યા ન હતા.