June 30, 2024

અંગત અદાવતમાં વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવવાનો પ્રયાસ, આખરે થયો પર્દાફાશ

મિહિર સોની, અમદાવાદ: સામાન્ય રીતે ધંધાકીય અદાવતમાં હત્યા, મારામારી જેવી અનેક ધટનાઓ સામે આવતી રહે છે. જ્યારે હાલ અમદાવાદમાં ધંધાકીય અદાવતમાં વેપારીને ડ્રગ્સ કેસમાં ફસાવાનું કાવતરું બહાર આવ્યું છે. પોલીસને ડ્રગ્સની બાતમી આપનાર આરોપી હોવાનો ખુલાસો થયો છે. ઓઢવ પોલીસે આ મામલે એક આરોપીની ધરપકડ કરી છે.

ઓઢવમાં ધંધાની અદાવતમાં એક વેપારીએ પોતાના હરીફ વેપારીને ડ્રગ્સનાં કેસમાં ફસાવવાનો પ્રયાસ કર્યો છે. જોકે, પોલીસની તપાસમાં કાવતરાનો પર્દાફાશ થયો છે. મળતી માહિતી અનુસાર 1 જૂન રોજ ઓઢવ પોલીસને બાતમી મળી હતી. ઓઢવનાં રશમી ગ્રોથ એસ્ટેટમાં એક સ્કોર્પિયો ગાડીના સ્પેવિલમાં ડ્રગ્સ છુપાવી હેરાફેરી કરતા હોવાની બાતમી પોલીસને આપી હતી. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી 29.830 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. પરંતુ જે પ્રકારે મોડ્સ ઓપરેન્ડી હતી જેને જોતા પોલીસને શંકા ગઈ હતી અને પોલીસની તપાસમાં આરોપી નરેશ બિશનોઇ નામના વ્યક્તિનું નામ ખૂલ્યું હતું. જેણે ગાડી ચાલક અભિમન્યુ બિશનોઈ પવારને ફસાવવા રૂપિયા 1.50 લાખની સોપારી આપીને ડ્રગ્સ છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર બની કરી લૂંટ, ઈરાની ગેંગના 2 આરોપીની ધરપકડ

ઓઢવ પોલીસે ડ્રગ્સ કેસમા નરેશ બિશનોઇની ધરપકડ કરી છે. જ્યારે ડ્રગ્સ મૂકનાર સુરેશ બિશનોઈ ફરાર થઈ જતાં તેની શોધખોળ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે
આરોપી અર્થ ટુલ્સનો વેપાર કરે છે અને જેની મેઇન ઓફિસ રાજસ્થાનના જયપુરમાં આવેલી છે. જે વર્ષે કરોડો રૂપિયાનું ટર્ન ઓવર કરે છે. તેની કંપનીમાં અભિમન્યુ બિશનોઈ નોકરી કરતો હતો. બે મહિના પહેલા અભિમન્યુએ આ નોકરી છોડીને પોતાનો અલગથી ઇલેક્ટ્રિકનો વેપાર ઘંઘો શરૂ કર્યો હતો. જેનાથી આરોપી નરેન બિશનોઈ મનદુઃખ થયું હતું અને પોતાના ઘંઘામાં કંપનીનો કર્મચારી હરીફ બનતા જ તેની અદાવત રાખીને આરોપી નરેશે અભિમન્યુને ડ્રગ્સનાં કેસમાં ફસાવાનું કાવતરું રચ્યું હતું. જેની માટે કંપનીના અન્ય કર્મચારી સુરેશ બિશનોઈને ડ્રગ્સ મૂકવા માટેની સોપારી આપી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી સુરેશ બિશનોઈએ અભિમન્યુનો જ મિત્ર છે પરંતુ પૈસા માટે પોતાના મિત્રને ડ્રગ્સ કેસમા ફસાવવા ડ્રગ્સ લાવ્યો હોવાનું ખૂલ્યું છે.

ઓઢવ પોલીસે આરોપી નરેશ બિશનોઈ ની ધરપકડ કરી ને રિમાન્ડ ની કાર્યવાહી હાથ ધરી છે..પકડાયેલ ડ્રગ્સ નરેશ અને સુરેશ ક્યાંથી લાવ્યા હતા અને આખા ષડયંત્ર માં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે..