June 30, 2024

PM મોદીએ ઈટાલીમાં મેક્રોન, ઋષિ સુનક સહિત વિશ્વના નેતાઓ સાથે મુલાકાત કરી

G7 Summit: ઈટાલીમાં G7 સમિટનું આયોજન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી અને વિશ્વના નેતાઓ સાથે અલગ-અલગ દ્વિપક્ષીય બેઠકો કરી. PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની મુલાકાત પર વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત અને વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક ભાગીદારી સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ છે. વાતચિત દરમિયાન, બંને નેતાઓ ‘મેક ઇન ઇન્ડિયા’ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને વ્યૂહાત્મક સંરક્ષણ સહયોગને વધુ વધારવા માટે સંમત થયા હતા.

પીએમ મોદી અને મેક્રોને આ મુદ્દાઓ પર વાત કરી
તે જ સમયે, વિદેશ મંત્રાલયે કહ્યું કે આજે પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોને ઇટાલીના અપુલિયામાં G7 સમિટની બાજુમાં દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બંને નેતાઓએ ભારત-ફ્રાન્સ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી, જેમાં સંરક્ષણ, પરમાણુ, અવકાશ, શિક્ષણ, ક્લાઇમેટ એક્શન, ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને સાંસ્કૃતિક પહેલ જેવી કે નેશનલ મ્યુઝિયમ પાર્ટનરશિપ અને લોકો વચ્ચેના સંબંધોને વધારવા અંગે ચર્ચા કરી.

ઉર્જા અને રમતગમતમાં સહયોગ વધારવા માટે પણ સંમત થયા
દ્વિપક્ષીય બેઠક દરમિયાન, બંને નેતાઓ AI તેમજ ઝડપથી ઉભરી રહેલી ટેક્નોલોજી, ઉર્જા અને રમતગમતના ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે આગામી AI સમિટ અને સંયુક્ત રાષ્ટ્ર મહાસાગર પરિષદ પર સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા હતા. આ બંને કોન્ફરન્સ 2025માં ફ્રાન્સમાં યોજાશે.

બંને નેતાઓએ વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી
વિદેશ મંત્રાલયે કહ્યું કે ઇટાલીમાં દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન પીએમ મોદી અને મેક્રોને મોટા વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. બંને નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત અને ફ્રાન્સ વચ્ચે મજબૂત અને વિશ્વાસપાત્ર વ્યૂહાત્મક ભાગીદારી સ્થિર અને સમૃદ્ધ વૈશ્વિક વ્યવસ્થા માટે જરૂરી છે અને તેને વધુ ઊંચાઈએ લઈ જવા માટે તેઓએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોનને આગામી પેરિસ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સ માટે અભિનંદન પાઠવ્યા હતા.

નવીનતા અને સંશોધનને પ્રોત્સાહિત કરવા પર ચર્ચા કરી: PM મોદી
મેક્રોનને મળ્યા બાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું કે મારા મિત્ર રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે મારી અદ્ભુત મુલાકાત થઈ. એક વર્ષમાં આ અમારી ચોથી બેઠક છે, જે દર્શાવે છે કે અમે મજબૂત ભારત-ફ્રાંસ સંબંધોને કેટલી પ્રાથમિકતા આપીએ છીએ. અમારી વાતચીતમાં સંરક્ષણ, સુરક્ષા, ટેક્નોલોજી, એઆઈ, બ્લુ ઈકોનોમી અને અન્ય ઘણા વિષયો પર ચર્ચા થઈ હતી. અમે યુવાનોમાં નવીનતા અને સંશોધનને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તેની પણ ચર્ચા કરી. આવતા મહિને શરૂ થનારી પેરિસ ઓલિમ્પિકની યજમાની માટે મેં તેમને મારી શુભેચ્છાઓ પાઠવી હતી.