August 27, 2024

પશ્ચિમ બંગાળની નહેરમાંથી મળ્યો સિક્કિમના પૂર્વ મંત્રીનો મૃતદેહ, 9 દિવસથી ગુમ હતા આર.સી.પૌડ્યાલ

પશ્ચિમ બંગાળ: સિક્કિમના પૂર્વ મંત્રી આર.સી.પૌડ્યાલનો મૃતદેહ પશ્ચિમ બંગાળની એક નહેરમાંથી મળી આવ્યો છે. સિક્કિમના પૂર્વ મંત્રી આર.સી.પૌડ્યાલનો મૃતદેહ સિલિગુડી પાસે એક નહેર માંથી 9 દિવસ બાદ મળી આવ્યો છે. 9 દિવસથી ગુમ થયેલ આર.સી.પૌડ્યાલની શોધખોળ માટે સિક્કિમ સરકારે SITની રચના કરી હતી.

ગુમ થયાના 9 દિવસ બાદ મળી આવ્યો મૃતદેહ
પોલીસે જણાવ્યું છે કે 80 વર્ષીય આર.સી.પૌડ્યાલનો મૃતદેહ મંગળવારે સિલિગુડીના ફૂલબારીમાં તિસ્તા નહેરમાં તણાતો જોવા મળ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ એવી શંકા સેવવામાં આવી રહી છે કે મૃતદેહ તિસ્તા નદીના ઉપરવાસ માંથી તણાઇને આવ્યો હોય શકે છે. હાથમાં રહેલી ઘડિયાળ અને કપડાં પરથી મૃતદેહની ઓળખ કરવામાં આવી છે. આર.સી.પૌડ્યાલ ગત 7 જુલાઇના રોજ પાકયોંગ જિલ્લાના પોતાના હોમટાઉન છોટા સિગતામથી ગુમ થયા હતા. રાજકીય નેતાની શોધખોળ માટે રાજ્ય સરકાર દ્વારા એક સ્પેશિયલ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું છે કે આર.સી.પૌડ્યાલના મોતને લઈને તપાસ ચાલી રહી છે. આર.સી.પૌડ્યાલ સિક્કિમ વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકર પણ રહી ચૂક્યા છે અને બાદમાં તેઓ રાજ્યના વનમંત્રી પણ રહ્યા હતા.

સિક્કિમના રાજકારણમાં મોટું નામ ગણાતા હતા આર.સી.પૌડ્યાલ
70 અને 80ના દશકના અંતમાં હિમાલયન રાજ્યના રાજકારણમાં આર.સી.પૌડ્યાલ એક મહત્વની વ્યક્તિ માનવામાં આવતા હતા. તેમણે રાઈઝિંગ સન પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ સિક્કિમની સાંસ્કૃતિક અને સામાજિક ગતશીલતાની ઊંડી સમજ માટે પણ જાણીતા હતા. મુખ્યમંત્રી પીએસ તમાંગે આર.સી.પૌડ્યાલના મોત પર અપાર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, ‘ હું ‘સ્વ. આર.સી. પૌડ્યાલ જ્યૂના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છું, જેઓ એક પ્રતિષ્ઠિત વરિષ્ઠ રાજકીય નેતા હતા. તેમણે સિક્કિમ સરકારમાં મંત્રી તરીકે વિવિધ હોદ્દા પર સેવા આપી હતી અને ઝુલકે ગમ પાર્ટીના નેતા હતા.”