September 16, 2024

“નાટક બંધ કરો, સહાયની જાહેરાત કરો”ના સૂત્રોચ્ચાર સાથે સુરેન્દ્રનગરમાં ખેડૂતોની રેલી

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગર: સામગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં છેલ્લા એક સપ્તાહથી થઈ રહેલા ભારે વરસાદને કારણે મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે, સુરેન્દ્રનગર જિલ્લામાં પડેલ અતિ ભારે વરસાદને લઈ ખેડૂતોના ખેતરમાં આવેલ પાક બળી જવાની ભીતિને લઈને આજે જિલ્લાના ખેડૂતો દ્વારા ખેતીવાડી અધિકારી સમક્ષ વળતર અને સર્વે કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

હાલ, ભારે વરસાદના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોએ વાવેલ મગફળી, મગ, તલ, કપાસ, એરંડિયા સહિતના પાકના બળી જવાની ભીતિ સેવાઇ રહી છે. તો સંભવિત નુકસાનના વળતર અને સર્વે માટે આજે જિલ્લાના 250થી વધુ ખેડૂતોએ બહુમાળી ચોકડીથી ખેતીવાડી અધિકારીની કચેરી સુધી રેલી યોજી હતી.

જિલ્લાના 250 જેટલા ખેડૂતોએ ખેતીવાડી અધિકારીની કચેરી સુધી રેલી યોજીને ખેતીવાડી અધિકારી સમક્ષ વળતર તેમજ સહાય ચૂકવવા માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. રેલી દરમિયાન ખેડૂતોએ થાળ વાટકા વગાડી સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરી રોષ ઠાલવ્યો હતો. ખેડૂતોની માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની પણ ખેડૂતો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.