December 9, 2024

ભાદરવી પૂનમના મેળાનો ચોથો દિવસ, અંબાજીમાં માનવ મહેરામણ ઉમટ્યું

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠાઃ ભાદરવી પૂનમના મેળાના ચોથા દિવસે અંબાજીમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. અંબાજીના ચાચર ચોકમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી પદયાત્રા કરીને આવતા પદયાત્રીકો અંબાજી પહોંચ્યા છે અને અંબાજીમાં ભક્તિ અને શક્તિનો માહોલ સર્જાયો છે.

શક્તિ, ભક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાના ચોથા દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ગુજરાત ભરમાંથી પદયાત્રીકો પદયાત્રા કરી અંબાજી આવી પહોંચ્યા છે. અંબાજીમાં ભક્તિનો માહોલ સર્જાયો છે. અંબાજી આવવા તરફનો એક પણ રસ્તો એવો નથી જ્યાં માનવ સાંકળ ન રચાઇ હોય. વર્ષોથી માઈ ભક્તો અમદાવાદ સહિત ગુજરાત ભર અંબાજી પદયાત્રા કરી અને પહોંચે છે.

માર્ગમાં અનેક જગ્યાએ સેવા કેમ્પો સહિત સેવાભાવી લોકો પણ આ પદયાત્રીઓની સેવા કરે છે અને જેને કારણે પદયાત્રીકોના અને માઇ ભક્તોના ચહેરા પર થાક જોવા મળતો નથી. અંબાજીમાં આવી અને માઈ ભક્તો ને મનને શાંતિ મળે છે, ત્યારે હજુ પણ મહા મેળાના ત્રણ દિવસ બાકી છે અને આવનારા ત્રણ દિવસોમાં પણ ભક્તોનું ઘોડાપૂર અંબાજીમાં ઉમટી પડશે.